તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
રાજપીપલા નગરપાલિકાની પાણીની સમસ્યા સામે વોર્ડ નંબર-૧ ના રહીશોમાં રોષ, કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
રહીશોએ નગરપાલિકા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી: જરૂર પડ્યે હાઈકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી

( ભરત શાહ દ્વારા ) રાજપીપલા નગરપાલિકાની કામગીરી અને પીવાના પાણીની સમસ્યાને લઈને હવે વોર્ડ નંબર-૧ ના રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. પાણીની સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ નહીં આવતાં સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં, જરૂર પડ્યે હાઈકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે.
મળતી માહિતી મુજબ, રાજપીપલા શહેરના વોર્ડ નંબર-૧ સહિતના વિસ્તારોમાં સર વિનાયક ગાર્ડનમાં આવેલી નગરપાલિકાની પાણીની ટાંકી મારફતે પાણી પુરવઠો આપવામાં આવે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની ગુણવત્તા અને પુરવઠાને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પાણીમાંથી કબૂતરના પીંછાં તેમજ માંસના ટુકડા મળી આવવાની ફરિયાદો પણ સામે આવી હતી. આ ગંભીર બાબત હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે વોર્ડ નંબર– ૧ ના રહીશ કુલદીપ કાછીયા પટેલે અગાઉ પણ નગરપાલિકા સામે ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે અને આ મામલે કાનૂની કાર્યવાહી ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ આ બાબતે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુલદીપ કાછીયા પટેલે નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, મોટી મોટી વાતો કરતા ચીફ ઓફિસર જો પોતાની જવાબદારી નિભાવે અને પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપે તો લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે. હવે સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો નીચલી અદાલત બાદ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.
જોકે, સમગ્ર મામલે નગરપાલિકાનો પક્ષ અને પાણીની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસની વિગતો પણ સામે આવવી જરૂરી છે. ત્યારે સવાલ એ છે કે વોર્ડ નંબર-૧ ના રહીશોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? શું નગરપાલિકા આ ફરિયાદોને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરશે?
હવે જોવાનુ એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા આ મામલે કેવું વલણ અપનાવે છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
