News of Saturday, 21st November 2026
શ્રમનું સન્માન સામાજિક જવાબદારી જ નથી રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધાર પણ છે : દેશના રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની 'ચિંતન શિબિર'નો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નનેતૃત્વમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ ૨૯ કરોડથી વધીને ૧૦૧ કરોડ નાગરિકો સુધી પહોંચ્યો : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા : કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરાંદજે,ગુજરાતનાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના સહભાગી

અમદાવાદ તા.૨૧ : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરાંદજે આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ શિબિરમાં સહભાગી થઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી આવી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ટેઈક ઓફ પ્લેટફોર્મ બની છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવીને દેશમાં અનેક સુધારાત્મક પહેલો કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રાલયે 29 કેન્દ્રીય શ્રમ કાનુનોના એકત્રીકરણ દ્વારા કરેલી 4 નવી શ્રમ સંહિતાને શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું કદમ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવાના સામૂહિક મંથન-ચિંતન માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બનશે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશની વિકાસ યાત્રામાં શ્રમ શક્તિના યોગદાન અને મહત્વને ‘શ્રમ એવ જયતે’ના મંત્રથી પ્રાથમિક્તા આપી છે. વડાપ્રધાનશ્રીએ શ્રમનું સન્માન સામાજીક જવાબદારી નહિ પરંતુ રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધાર ગણાવ્યો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
તેમણે રાજ્યમાં પણ નવી ચાર શ્રમ સંહિતાઓના અમલ માટેની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું કે, દેશમાં લેબરકોડ લાગુ થવા સાથે જ ગુજરાતે પણ પોતાના નિયમોને અંતિમ રૂપ આપીને અમલી બનાવ્યા છે.
એટલું જ નહીં, શ્રમિકોની સુરક્ષા સંગીન કરવા ગુજરાત સોશિયલ સિક્યુરિટી ફંડની સ્થાપના અને શ્રમ સેવાઓની પારદર્શિતા માટે ‘શ્રમસેતુ’ ડિજિટલ પોર્ટલ વિકસિત કર્યું છે. ગુજરાત વિકાસ અને પ્રગતિના પંથે નિરંતર આગળ વધ્યું છે તેમાં શ્રમિકોનો પરિશ્રમ પાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં શ્રમ શક્તિ પુરક બનશે અને ચિંતન શિબિર એ માટેનું દિશા દર્શન કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ઉદ્ઘાટન સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ચિંતન શિબિર એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સુશાસન માટે આપવામાં આવેલો એક મંત્ર છે. આજની ચિંતન શિબિરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને નાગરિકો એમ ત્રણેય હિતધારકો સાથે મળીને દેશના ૬૦ કરોડ શ્રમિકોના કલ્યાણ માટે કાર્યયોજના ઘડશે. અગાઉ શ્રમિકો અને ઉદ્યોગોને એકબીજાના વિરોધી માનવાની માનસિકતા હતી, પરંતુ વડાપ્રધાનશ્રીએ આ ધારણા બદલીને બંનેને વિકસિત ભારત રૂપી રથના બે સમાન પૈડાં ગણાવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, હાલ ૧૬થી વધુ રાજ્યોએ પોતાના લેબર કોડના નિયમો નોટિફાય કરી દીધા છે અને ડિસેમ્બર પહેલાં ૨૫થી વધુ રાજ્યો આ પ્રક્રિયા પૂર્ણ કરી લેશે. સરકારની વ્યાપક યોજનાઓના પરિણામે વર્ષ ૨૦૧૪માં દેશમાં માત્ર ૨૯ કરોડ નાગરિકો સામાજિક સુરક્ષાના કવરેજ હેઠળ હતા, જે આંકડો આજે વધીને ૧૦૧ કરોડ નાગરિકો સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ૧ લાખ કરોડ રૂપિયાના બજેટ સાથે ઉદ્યોગો, શ્રમિકો અને પ્રથમ વખત ખાનગી ક્ષેત્રમાં જોડાતા યુવાનોને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય દર મહિને ૧૦ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ કહ્યું હતું કે, ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮ ટકા છે અને દેશની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી વયની હોવાથી આજે વિશ્વ ભારતના કુશળ માનવબળ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. 'હર હાથ કો કામ, હર ખેત કો પાની'ના સંકલ્પ સાથે આ બે દિવસીય શિબિરમાં આંતરરાષ્ટ્રીય લેબર મોબિલિટી અને તમામ રાજ્યોમાં એકસમાન નીતિગત અમલીકરણ થકી 'ટીમ ઈન્ડિયા'ની ભાવનાથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવાનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે.
લેબર કોડ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાએ કહ્યું કે, દેશમાં એક વર્ષ પહેલાં લેબર કોડ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અનેક ભ્રમણાઓ હતી, પરંતુ ટ્રેડ યુનિયન, ઉદ્યોગો અને મીડિયા સાથેના સતત સંવાદ બાદ તમામ હિતધારકોને એક મંચ પર લાવવામાં સફળતા મળી છે. આ નવા કાયદાઓથી શ્રમિકોને એપોઇન્ટમેન્ટ લેટર, લઘુત્તમ વેતન અને ફિક્સ્ડ ટર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાની ગેરંટી મળી છે, જ્યારે ઉદ્યોગોને બિનજરૂરી કમ્પ્લાયન્સના બોજમાંથી મુક્તિ મળી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્ર ભૂષણ કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં લેબર કોડ લાગુ થયાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય 'ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના અમલીકરણ, નિયમોની સૂચના, અધિકારીઓની ક્ષમતા નિર્માણ અને તાલીમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય સચિવશ્રીએ ઉમેર્યું કે, આ બે દિવસીય શિબિરમાં સારા શ્રમ સંબંધો વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સામાજિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય લેબર મોબિલિટી, ESIC હોસ્પિટલો, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, લેબર સ્ટેક અને વર્કર રજિસ્ટ્રી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. 'સૌનો સાથ, સૌનો વિશ્વાસ'ના મૂળ ભાવ સાથે વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધીને આગામી સમય માટે એક નવી દિશા તૈયાર કરવાનો આ શિબિરનો મુખ્ય હેતુ છે.
ચિંતન શિબિરના પ્રથમ દિવસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની સહ-અધ્યક્ષતામાં શ્રમ કલ્યાણ, રોજગાર અને સામાજિક સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રાલય (MoLE) તેમજ ESICના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શ્રમ સંહિતાના અમલીકરણ, 'શ્રમ સુવિધા' અને 'SAMADHAN' જેવા કેન્દ્રીય વેબ પોર્ટલ, PMVBRY, EPFO અને ESIC સુધારાઓ, કેન્દ્ર-રાજ્ય સંકલન, સાર્વત્રિક પેન્શન યોજનાઓ (PM-SYM, NPS-Traders) તથા શ્રમ આંકડાના વિશ્લેષણ અંગે વિગતવાર રજૂઆતો કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીર દ્વારા શ્રેષ્ઠ અભ્યાસના વિડિયો રજૂ કરવામાં આવશે.
આ ચિંતન શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ રાજ્યોના શ્રમ અને રોજગાર મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
