<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

નિવૃત્ત આચાર્યને પેન્શન માટે ધક્કા: શિક્ષણ વિભાગની બેદરકારી સામે માનવ અધિકાર પરિષદનો કડક પ્રહાર

સેવા પોથી અટકાવી નિવૃત્ત આચાર્યને હેરાનગતિ: જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ:નિવૃત્તિના સમયે શિક્ષકનું અપમાન? માનવ અધિકાર પરિષદે સરકાર સમક્ષ ઉઠાવ્યા ગંભીર સવાલો

(ભરત શાહ દ્વારા )નર્મદા :ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ પ્રાથમિક શાળાના નિવૃત્ત થનાર આચાર્ય સુરેશભાઈ હરિભાઈ વસાવાને નિવૃત્તિના અંતિમ તબક્કે પેન્શન, સેવા પોથી અને સરકારી લાભોની પ્રક્રિયામાં ઇરાદાપૂર્વક વિલંબ કરી માનસિક, વહીવટી અને આર્થિક હેરાનગતિ પહોંચાડવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા શિક્ષણ વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ સમગ્ર મામલે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટીએ ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મુખ્ય સચિવ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, કલેક્ટર ભરૂચ સહિતના ઉચ્ચ અધિકારીઓને કડક શબ્દોમાં રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
રજૂઆત મુજબ વર્ષો સુધી શિક્ષણક્ષેત્રે સેવા આપનાર આચાર્યની સેવા પૂર્ણ થવા આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા સેવા પોથી સમયસર આગળ મોકલવામાં આવી નથી, જેના કારણે પેન્શન તથા નિવૃત્તિ બાદ મળવાપાત્ર સરકારી લાભો અટવાઈ જવાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીને ઇરાદાપૂર્વક માનસિક રીતે તોડવાનો પ્રયાસ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
સાથે જ સંબંધિત અધિકારી દ્વારા અપમાનજનક ભાષા, ધમકીજનક વર્તન, વારંવાર કચેરીના ધક્કા ખવડાવવી તથા આર્થિક લાભની માંગ જેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ખુલ્લા ભંગ સમાન ગંભીર ગુનો ગણાશે.
માનવ અધિકાર પરિષદે કડક શબ્દોમાં જણાવ્યું છે કે જીવનભર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાર્ય કરનાર શિક્ષકને નિવૃત્તિ સમયે અપમાનિત અને પરેશાન કરવું અત્યંત શરમજનક બાબત છે. સરકારના કર્મચારીઓને સમયસર પેન્શન અને કાનૂની હકો આપવું તંત્રની ફરજ હોવા છતાં જો ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવે તો તે ગંભીર વહીવટી ગુનો ગણાય. પરિષદે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને સમયબદ્ધ તપાસ હાથ ધરી જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય તથા કાયદેસરની કાર્યવાહી કરવા, સેવા પોથી અને પેન્શન પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ ફરિયાદીને ભવિષ્યમાં કોઈ પ્રકારની બદલોની કાર્યવાહીથી સુરક્ષા આપવા માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં થાય તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ તથા અન્ય કાનૂની મંચો સમક્ષ સત્તાવાર ફરિયાદ, જાહેર અભિયાન અને કાયદેસરની લડત હાથ ધરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે

(10:51 PM IST)