News of Monday, 3rd August 2026
પૂ.મોરારીબાપુએ ગીરમાંથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરીઃ જંગલના દ્રશ્યો નિહાળ્યા

(તખુભાઈ સાંડસુર દ્વારા)વેળાવદર તા.૩: ભાવનગર ડિવિઝનમા જ નહીં કદાચ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ કહી શકાય એવી એક માત્ર મીટરગેજ ટ્રેન જુનાગઢ -વેરાવળ -દેલવાડા ચાલુ છે. આ ટ્રેન એટલે હેરિટેજ ટ્રેન તરીકે હવે ઓળખવી પડશે કે મીટરગેજ ટ્રેન તો કયાંય નથી પરંતુ ગીરના જંગલમાંથી પસાર થતી આ ટ્રેન પણ એક જ છે. તેમાં મુસાફરીની મજા માણવી એ પણ એક હેરિટેજ ઘટના બની જાય છે.
પૂ.મોરારીબાપુ કાલે સવારે જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ ભગવાનના દર્શનાર્થે જઈ રહ્યા હતા.પૂ.મોરારીબાપુએ એકાએક નિર્ણય કર્યો કે આપણે બગસરાથી સોમનાથ તરફ જતા રસ્તામાં વિસાવદર અને તાલાળાની વચ્ચે પસાર થતી મીટર ગેજ ટ્રેનમાં બેસીને ગીરના જંગલના દ્રશ્યોને આંખમાં કેદ કરવા છે.
પૂ.મોરારીબાપુ અને તેમની સાથે જોડાયેલા ફ્લાવર્સ વિસાવદર સ્ટેશને રવિવાર સવારે ૯:૦૦ વાગે પહોંચે છે અને ૯- ૧૫ કલાકે આવતી જુનાગઢ દેલવાડા ટ્રેનમાં તાલાળા સુધીની મુસાફરી શરૂ કરે છે. ગીરના જંગલમાંથી પસાર થઈ રહેલી આ ટ્રેનની મુસાફરી માણવા જેવી તો છે જ. પરંતુ વિસાવદરના સ્ટેશનમાં ફૂલવડી અને ભજીયાનો સ્વાદ ચાખવા પણ લોકો જુનાગઢથી સ્પેશિયલ વિસાવદર આવે છે. જોકે બાપુને આ સ્વાદ લેવાનો સમય ન બચ્યો હોય પરંતુ સૌ કોઈએ તે અનુભવ પણ કરવા જેવો છે.
અમરેલીના સ્ટેશનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરીના કારણે આ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. તેથી અમરેલી -વેરાવળ અમરેલી- જુનાગઢ જેવી ટ્રેનો બંધ છે. જુનાગઢથી વેરાવળ ટ્રેન ચાલું છે. પૂ.મોરારીબાપુ તાલાળા સ્ટેશને ઉતરીને સોમનાથ તરફ મોટર માર્ગે નીકળ્યા હતા
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
