<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મહેસૂલ કર્મચારીઓ-સરકાર સામ સામેઃ કાલથી બેમૂદતી હડતાલ...

૧૪ થી વધુ પડતર પ્રશ્‍નો અંગે ત્રણ ડઝન વખત રજૂઆતો છતા કોઇ નક્કર પગલા નહીઃ કર્મચારીઓમાં પ્રચંડ રોષ... : ખેડૂત ખાતેદારોના દાખલા, પ્રમાણપત્રો, સહિતના સેંકડો કામો અટકી પડયાઃ ફાઇલોના ઢગલા થશે... : હજારો નાગરીકોને ધરમધક્કા, જનસેવા ઉપર આજે ભીડ જામીઃ કાલથી ફરી સૂમસામ

રાજકોટ, તા.૬: રાજ્‍યના મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્‍નોના નિરાકરણની માંગ સાથે ગઈકાલે માસ સીએલ પર ઉતર્યા હતા. જેના પગલે સરકારે આ આંદોલનને ખાળવા માટે કડક ચેતવણી પણ ઉચ્‍ચારી હતી.સાથે જ કર્મચારીઓએ કાલથી રાજ્‍યવ્‍યાપી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન પણ કરી દીધું છે.

રાજ્‍યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી. બઢતી-બદલી, જોબ ચાર્ટ સહિતના ૧૪થી વધુ પડતર પ્રશ્‍નોએ લાંબા સમયથી વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનનું શષા ઉગામ્‍યું છે.

ગુજરાત રાજ્‍ય મહેસૂલી કર્મચારી મહામંડળ અને લેન્‍ડ રેકોર્ડ્‍સ વર્ગ-૩ર્મચારી મંડળની લાંબા સમયથી ઉચ્‍ચ પગાર ધોરણ અંગે સ્‍પષ્ટ માંગ છે.જેમાં સિનિયર સર્વેયરને પે-લેવલ-૫માંથી લેવલ-૬ તેમજ સર્વેયરને લેવલ-૪માંથી લેવલ-૫ આપવું,વિલંબિત બઢતી-બદલીના હુકમો કરવા, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયના વધારાના બોજા સમાન કામકાજ દૂર કરવાનો સમાવેશ થાય છે. આ પ્રશ્‍નો અંગે સરકાર કક્ષાએ અસંખ્‍ય રજૂઆતો થઈ હોવા છતાં ફક્‍ત તારીખ પે તારીખ સિવાય કોઈ નક્કર પરિણામ ન આવતાં કર્મચારીઓનો ધીરજનો અંત આવ્‍યો છે. સીટી સર્વે અને જમીન દફતર વિભાગની હડતાળને પગલે પ્રોપર્ટી કાર્ડ, માપણી અને નોંધણીના કામો અગાઉથી જ રઝળી પડ્‍યા છે. હવે તેમાં મહેસૂલી કર્મીઓ પણ જોડાતાં ખેડૂત ખાતેદારોના દાખલા, જમીનની વારસાઈ, જંત્રી સંબંધી કામગીરી અને સામાન્‍ય જનતાના વહીવટી કાર્યોમાં ભારે હાલાકી સર્જાશે.

કર્મચારી મંડળોએ રોકડું પરખાવ્‍યું છે કે માસ સીએલ તો માત્ર ટ્રેલર હતું. કાલથી રાજ્‍યવ્‍યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દેવાશે. તો બીજી તરફ તહેવારોની તૈયારીઓ વચ્‍ચે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બનેલા નાગરિકો માટે આ વહીવટી મડાગાંઠ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.

મહેસૂલી કર્મચારીઓની હડતાલ તથા મશાલ રેલી સંદર્ભે કલેકટરનું કાલનું મહેસૂલ-અપીલનું બોર્ડ રદ્‌ની શકયતા

૮ અને ૯ રાજયપાલ રાજકોટમાં હોય, અન્‍ય ખાતામાંથી સ્‍ટાફને દોડાવવા તંત્રની કવાયત

રાજકોટ,તા.૬:  કલેક્‍ટર કચેરી ખાતે આવતીકાલે યોજાનારું મહત્‍વપૂર્ણ મહેસૂલી બોર્ડ મોકૂફ રખાય તેવી શકયતાં છે. વિગતો અનુસાર, ગઈકાલે યોજાયેલી મશાલ રેલી અને મહેસૂલી કર્મચારીઓની ચાલી રહેલી હડતાલના પગલે આ બોર્ડ કેન્‍સલ કરવામાં આવે તેવી  સંભાવના છે.  આ બોર્ડમાં જમીન અને મહેસૂલ સંબંધિત અંદાજે ૩૫થી૪૦  જેટલા મહત્‍વના કેસો પર સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હડતાલના કારણે અરજદારો અને વકીલોની મુશ્‍કેલી વધી છે.

એક તરફ મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર છે, ત્‍યારે બીજી બાજુ આગામી ગુરુવારથી રાજ્‍યપાલ બે દિવસની મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. મહેસૂલી સ્‍ટાફ હડતાલ પર હોવાથી વહીવટી તંત્ર મોટી મૂંઝવણમાં મુકાયું છે. આ સ્‍થિતિને પહોંચી વળવા કલેક્‍ટર દ્વારા જિલ્લા પંચાયત અને અન્‍ય સરકારી કચેરીઓના અધિકારીઓને રાજ્‍યપાલના સ્‍વાગત અને બંદોબસ્‍તની કામગીરીમાં તૈનાત કરવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.

 

 

(3:18 PM IST)