તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ગુજરાતમાં મહેસૂલી પોર્ટલો ઠપઃ અનેક સેવાઓ ખોરવાઈ
અનપેક્ષિત ટેકનિકલ સમસ્યા ઉદભવવાના કારણે ઈ- ધરા, IORA (ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન) તથા એનીરોર (ANYROR) પોર્ટલની કામગીરીમાં ભારે વિક્ષેપ : પોર્ટલો બંધ હોવાના કારણે દસ્તાવેજ નોંધણી, બેંકમાંથી ધિરાણ મેળવવાની પ્રક્રિયા અને બિનખેતીની અરજીઓની ચકાસણી જેવી તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ છે

અમદાવાદ,તા.૧૦: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળ ચાલતા મહત્વના ઓનલાઈન પોર્ટલમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં રાજ્યભરમાં જમીન અને મિલકતને લગતી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. અનપેક્ષિત ટેકનિકલ સમસ્યા ઉદભવવાના કારણે ઈ- ધરા, IORA (ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન) તથા એનીરોર (ANYROR) પોર્ટલની કામગીરીમાં ભારે વિક્ષેપ અનુભવાઈ રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે સમય લાગી શકે તેમ છે, જેથી ત્યાં સુધી આ તમામ પોર્ટલ સાથે સંકળાયેલી મહેસૂલી સેવાઓ અંશતઃ અથવા અનિયમિત રીતે પ્રભાવિત રહેશે.
મહેસૂલ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, અગાઉ ઈ- ધરા, IORA અને ANYROR પોર્ટલના ટેકનોલોજિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે ૩ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર દરમિયાન સેવાઓ બંધ રાખવામાં આવી હતી અને ૬ સપ્ટેમ્બરે કામગીરી પૂર્ણ કરીને સેવાઓ પુનઃ કાર્યરત કરી દેવાઈ હતી. જોકે, અપગ્રેડેશન બાદ અચાનક નવી ટેકનિકલ સમસ્યા ઊભી થતાં પોર્ટલ ફરીથી ઓફલાઈન કરવાની નોબત આવી છે. હાલમાં મહેસૂલ વિભાગ, NIC, ગુજરાત રાજ્ય ડેટા સેન્ટર અને Codeની ટેકનિકલ ટીમો સતત ૨૪ કલાક કામગીરી કરી રહી છે જેથી સેવાઓ વહેલી તકે અને સંપૂર્ણપણે સુચારું થઈ શકે.
રાજ્યમાં ખેડૂતો, મિલકતધારકો, બિલ્ડરો અને સામાન્ય નાગરિકો માટે આ ત્રણ પોર્ટલ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સેવાઓ બંધ થવાથી અનેક પ્રકારની કામગીરી અટકી પડી છે. જેમાં ANYROR પોર્ટલ પરથી જમીનના અધિકારના રેકોર્ડ એટલે કે ૭/૧૨, ૮-અ અને હક પત્રક-૬ ના ઉતારા ઓનલાઈન જોઈ તેમજ ડિજિટલી સાઇન કરેલી નકલો ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત, જમીનની માલિકી વિગતો અને ખાતાની માહિતી મેળવવા માટે આ સૌથી વધુ વપરાતું પોર્ટલ છે. જેથી આ પોર્ટલ બંધ થતાં આ તમામ પ્રકારની કામગીરીને અસર થઈ છે.
જમીનને લગતી વિવિધ મહેસૂલી પરવાનગીઓ અને અરજીઓ માટે IORA પોર્ટલનો ઉપયોગ થાય છે. જેમાં બિનખેતીની મંજૂરી, ખેડૂત પ્રમાણપત્ર મેળવવું, જમીન પ્રીમિયમ ચુકવણીની અરજી, બિન-ખેડૂતમાંથી ખેડૂત બનવાની પરવાનગી તેમજ મહેસૂલી વિવાદો કે અપીલ સંબંધિત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. જ્યારે ઈ-ધરા સિસ્ટમ દ્વારા જમીનના રેકોર્ડમાં થતાં તમામ પ્રકારના ફેરફાર નોંધ દાખલ કરવામાં આવે છે. હાલમાં પોર્ટલો બંધ હોવાના કારણે દસ્તાવેજ નોંધણી, બેંકમાંથી ધિરાણ મેળવવાની પ્રક્રિયા અને બિનખેતીની અરજીઓની ચકાસણી જેવી તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
