<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

મહેસૂલ હડતાલ સજ્જડઃ તમામ કામગીરી ઠપ્‍પ

કલેકટર-ડે.કલેકટર-મામલતદાર કચેરીઓ સૂમસામઃ હજારો અરજદારો લાચારઃ સવારથી ધરમ ધક્કા... કલેકટર કચેરી ખાતે કર્મચારીઓના ધરણા-દેખાવો-સૂત્રોચ્‍ચારઃ તમામ અધિકારીઓને હાઇએલર્ટ કરતા ડો.ઓમપ્રકાશ અમદાવાદમાં પાંચ હોદેદારો સહિત પ૮ નાયબ મામલતદારોની હેડ કવાર્ટર બહાર બદલી કરતા હોબાળોઃ બે ડઝન પ્રકારના કામો અટકી પડયાઃ સરકારી તંત્ર અને કર્મચારીઓ સામસામે આવી ગયા

રાજકોટ તા. ૭ :.. રાજ્‍યના મહેસૂલ વિભાગના આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આજથી બેમુદ્દતી હડતાળનું એલાન કર્યું છે, જેના પગલે રાજ્‍યભરનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કોઈ સકારાત્‍મક ઉકેલ ન આવતાં અંતે ગુજરાત રાજ્‍ય મહેસૂલી કર્મચારી મંડળે સરકાર સામે મોરચો માંડ્‍યો છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્‍ટરોએ આંદોલનમાં હિસ્‍સો લેનારા કર્મચારીઓને ‘સર્વિસ બ્રેક'  કરવાની ચીમકી આપી છે, તેમ છતાં પણ કર્મચારીઓ પોતાની હડતાળ પર યથાવત રહ્યા છે.

 માસ સી.એલ. બાદ પણ સરકારે મહેસૂલ વિભાગના કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી ન હતી. એટલું જ નહીં, સરકારે આંદોલનને ડામવા માટે કડક વલણ અપનાવ્‍યું છે, જેના ભાગરૂપે અમદાવાદના જિલ્લા કલેક્‍ટરે રાજ્‍ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી સહિત જિલ્લાના અન્‍ય ચાર મળી કુલ પાંચ હોદ્દેદારોની તાત્‍કાલિક અસરથી હેડક્‍વાર્ટર બહાર બદલી કરી દીધી છે. કલેક્‍ટરના આ આકરા વલણને કારણે કર્મચારી રોષે ભરાયા છે. આજથી શરૂ થયેલ બેમુદતી હડતાળને લીધે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અત્‍યંત જરૂરી એવા જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અટકી જશે. મામલતદાર કચેરીઓમાં જમીનની કાચી-પાકી નોંધો, હક્ક પત્રક, વારસાઈ આંબો અને મિલકત ટ્રાન્‍સફરને લગતી તમામ વહીવટી કામગીરીઓ ઠપ્‍પ થઈ જશે.

જનસેવા કેન્‍દ્રો અને મામલતદાર કચેરીઓમાં નવા રેશનકાર્ડ કઢાવવા, નામ ઉમેરવા કે સુધારવા અને આધારકાર્ડ સંબંધિત કામો બંધ થતાં ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને સીધી અસર પહોંચશે. વિધવા સહાય, વળદ્ધ સહાય અને મુખ્‍યમંત્રી અમળતમ યોજના જેવી કલ્‍યાણકારી યોજનાઓની અરજીઓની ચકાસણી અને મંજૂરી અટકી જતાં ગરીબ લાભાર્થીઓ મુશ્‍કેલીમાં મુકાશે.

મહેસૂલી કર્મચારીઓનું કહેવું છે કે, સરકારને કર્મચારીઓના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ નથી. સરકારે જબરદસ્‍તી કડક પગલાં કે બદલીઓ જાહેર કરી છે, પરંતુ કર્મચારીઓ આ બધી ચીમકીઓ સામે લડી લેવાના મૂડમાં છે અને પોતાના અધિકારો માટે આંદોલન ચાલુ રાખશે. હાલમાં સરકારી તંત્ર અને કર્મચારીઓ સામસામે આવી ગયા છે.

(1:19 PM IST)