તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 28th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ૨ સિલ્વર મેડલ જીતનાર રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી સન્માન
જાપાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્ય સરકારે પ્રોત્સાહિત કર્યા : ખેલાડીઓને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવા તમામ સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ૨ સિલ્વર મેડલ મેળવીને વિશ્વફલક પર દેશ અને રાજ્યનું નામ રોશન કરનાર ગુજરાતના પ્રતિભાવાન શૂટર ઇલાવેનિલ વાલારીવનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૧.૩૩ કરોડનો ખેલપ્રતિભા પુરસ્કારનો ચેક અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ૨૫ વર્ષીય ઇલાવેનિલ વાલારીવને રાઇફલ શૂટિંગમાં 'વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલ (ઇન્ડિવિઝ્યુઅલ)' અને 'વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલ (ટીમ)' એમ બંને સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરીને બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા. આ પ્રસંગે યુવા ખેલાડીને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની આવી ખેલપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર સદા તત્પર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પાછળ ખેલાડીની સખત મહેનત સાથે તેમના માતા-પિતાના સંસ્કાર અને યોગદાનનું પણ મોટું મહત્વ હોય છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની DLSS યોજના હેઠળ સંસ્કારધામ સંકુલમાંથી કેળવણી પામીને ઇલાવેનિલ વાલારીવને એશિયન ગેમ્સમાં સિદ્ધિ મેળવી છે, જે રાજ્યના અન્ય હજારો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન અંતર્ગત રૂ. ૧.૩૩ કરોડ તેમજ DLSS અને ખેલ મહાકુંભ યોજનાઓ હેઠળ રૂ. ૭૪ લાખ મળીને ઇલાવેનિલને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨.૪૧ કરોડની પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી અને ૨૦૧૭-૧૮થી શક્તિદૂત યોજનાની 'A' કેટેગરીમાં સ્થાન ધરાવતી ઇલાવેનિલ વાલારીવને ૨૦૨૦ ટોક્યો અને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત ૨૦૧૯ના રિયો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ, જુનિયર વર્લ્ડ કપ, એશિયન એરગન ચેમ્પિયનશિપ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ અને ૨૦૨૫ની મ્યુનિક તથા કઝાકિસ્તાન સ્પર્ધાઓમાં અનેક મેડલો જીત્યા છે. તેમની ઉત્કૃષ્ટ રમતગમત કારકિર્દી બદલ ભારત સરકાર દ્વારા ૨૦૨૨માં તેમને પ્રતિષ્ઠિત 'અર્જુન એવોર્ડ'થી પણ નવાજવામાં આવ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
