<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સોમનાથ મંદિર નજીક ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીના માર્ગને વેજ ઝોન જાહેર કરવાના નોટિફિકેશનને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર

ઓગસ્ટ 2026 ના નોટિફિકેશનને 6 રેસ્ટોરન્ટ માલિકોએ પડકાર્યુ :અરજદારોએ આજીવિકાના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો:સરકારી વકીલ જી.એચ. વિર્કે અગાઉની અરજીઓમાં કરાયેલા દાવાઓની વિસંગતતા દર્શાવી:ધાર્મિક માર્ગ પર ભક્તોની અવરજવરને સરકારે પ્રતિબંધનું કારણ ગણાવ્યું

સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીના માર્ગને વેજ ઝોન જાહેર કરવાના ઓગસ્ટ 2026 ના નોટિફિકેશન સામે 6 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ અરજી કરી છે. આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

 

સોમનાથ મંદિર નજીક ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીના માર્ગને વેજ ઝોન જાહેર કરવાના નિર્ણય સામે રેસ્ટોરન્ટ સંચાલકોએ વાંધો ઉઠાવ્યો છે. અરજદારોની રજૂઆત મુજબ તેઓ છેલ્લા 35 વર્ષથી આ વિસ્તારમાં નોનવેજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરી રહ્યા છે. સરકારના જાહેરનામાને કારણે તેમના વેપાર અને આજીવિકાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાની દલીલ કરવામાં આવી છે. આ આધારે 6 રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે

 

સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે અરજદારોની રજૂઆત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે અરજદારો હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, હાલના અરજદારોમાંથી ત્રણ વ્યક્તિઓએ વર્ષ 2018 ના નોટિફિકેશનને પણ હાઈકોર્ટમાં પડકાર્યું હતું. જોકે, તે અરજીમાં કોઈ સ્ટે મળ્યો નહોતો.

 

 

સરકારી વકીલ જી.એચ. વિર્કે અરજદારોના દાવામાં રહેલી વિસંગતતા તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેમની દલીલ મુજબ, વર્ષ 2018 ની અરજીમાં અરજદારોએ છેલ્લા 50 વર્ષથી વેપાર કરતા હોવાની વાત કરી હતી. જ્યારે ઓગસ્ટ 2026 ના જાહેરનામાને પડકારતી હાલની અરજીમાં 35 વર્ષથી વ્યવસાય કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બંને રજૂઆતો વચ્ચેના તફાવત અંગે સરકારી વકીલે સવાલો ઉઠાવ્યા હતા.

 

સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીનો માર્ગ ભાલકા તીર્થ તરફ જવાનો મુખ્ય રસ્તો છે. આ માર્ગ પર ધાર્મિક સ્થળે જતા ભક્તોની સતત અવરજવર રહેતી હોવાથી તેને વેજ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે જિયોગ્રાફિકલ અપગ્રેડેશન અને વિસ્તારના સુધારાને ધ્યાનમાં રાખીને વર્ષ 2006 થી અલગ-અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યાં છે. અરજદારો જ્યાં વ્યવસાય કરે છે તે વિસ્તાર વર્ષ 2018-19 થી જ વેજ ઝોન હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

 

મુખ્ય સરકારી વકીલે પોતાની દલીલ દરમિયાન અયોધ્યાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અયોધ્યામાં સમગ્ર રામપથને વેજ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ પ્રતિબંધના સંદર્ભમાં સ્વીગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી સર્વિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

સોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધના જાહેરનામા સામે થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. રેસ્ટોરન્ટ માલિકોના વેપાર અને આજીવિકાના અધિકારો સંબંધિત દાવાઓ તથા સરકારની ધાર્મિક માર્ગને વેજ ઝોન જાહેર કરવાની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

 

(8:02 PM IST)