<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગાંધીનગર નર્મદા નહેરમાં ડૂબતા લોકોને શોધવા માટે હવે રોબોટ પાણીમાં ઉતારાશે, ફાયરની કામગીરી ઝડપી બનશે

ગાંધીનગરની કેનાલો અને નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ સમયે મૃતદેહ કે વ્યક્તિને શોધવા માટે હવે એ આઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:મહાનગરપાલિકાએ અન્ડર વોટર રોબોટ (ROV) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું: આ મશીન 200 મીટરની ઊંડાઈ સુધી જઈને કામ કરી શકશે, જેનાથી ફાયર બ્રિગેડની કામગીરી ઝડપી બનશે.

ગાંધીનગર જિલ્લામાં નર્મદાની મુખ્ય નહેર અને સાબરમતી નદી આવેલી છે. આ પાણીના સ્ત્રોતોમાં લોકોના ડૂબવાની અથવા આપઘાત કરવાની ઘટનાઓ વારંવાર બને છે. ગણેશ વિસર્જન દરમિયાન અથવા અન્ય દિવસોમાં પણ સંત સરોવર અને નદીઓમાં લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગાંધીનગર ફાયર બ્રિગેડ પાસે આખું વર્ષ બચાવ કામગીરી માટેના અનેક ફોન આવે છે.
હાલમાં જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબે છે, ત્યારે ફાયર વિભાગના તરવૈયાઓ પોતે નદી કે કેનાલમાં ઉતરીને તપાસ કરે છે. ઘણી વખત આ શોધખોળ બે દિવસ સુધી સતત ચલાવવી પડે છે. આ કામને વધુ ઝડપી બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લેવાનું નક્કી કર્યું છે.
પાલિકા દ્વારા ખાસ પ્રકારના અન્ડર વોટર રોબોટ ખરીદવામાં આવશે. આ રોબોટના આગમન માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મશીનને પાણીની અંદર રિમોટથી ચલાવી શકાશે.
આ રોબોટ પાણીના તળિયે જઈને ત્યાંની સ્થિતિ જોઈ શકશે અને વ્યક્તિ કે મૃતદેહ કઈ જગ્યાએ છે તેનું ચોક્કસ સ્થાન જણાવશે. આ સાધન મળવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને સીધું લોકેશન મળશે અને તેમની મહેનત ઘટશે. આ ઉપકરણની ક્ષમતાની વાત કરીએ તો, તે પાણીમાં 200 મીટરની ઉંડાઈ સુધી જઈને સર્ચ ઓપરેશન કરી શકે છે.
આ મશીનમાં અંધારામાં જોવા માટે એલઈડી લાઈટ અને વસ્તુઓને ઓળખવા માટે સેન્સર લગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ વ્યક્તિ પાણીમાં પડે તો તેને શરૂઆતના સમયમાં જ શોધીને તેનો જીવ બચાવી શકાય. મહાપાલિકા દ્વારા ટેન્ડર પક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટેન્ડર બહાર પાડી આગળની પક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેન્ડર આવ્યા બાદ રોબોટ ખરીદવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં નર્મદા કેનાલનું વિશાળ નેટવર્ક છે અને અહીંયા સંત સરોવર પણ છે. જેના કારણે નર્મદા કેનાલમાં આપઘાત કરવાના તથા સંત સરોવરમાં ડૂબી જવાના બનાવો પણ છાશવારે પ્રકાશમાં આવે છે. જેનો સૌથી મોટો ભાર ગાંધીનગર ફાયર બ્રિગેડ પર હોય છે. ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ દોડી જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં સમયસર કામગીરી થતી ન હોવાથી નાગરિકોના જીવ બચાવી શકાતા નથી.
જેથી મહાનગરપાલિકાએ રોબોટ ખરીદવાનો નિર્ણય લીધો છે. જેનાથી ફાયરની કામગીરી ઝડપી બનશે અને નાગરિકોના જીવ બચાવી શકાશે. રોબોટ પાણીમાં 200 મીટરની ઉંડાઇ સુધી જઇ સર્ચ ઓપરેશન કરી શકે છે. જેનાથી માણસ જેટલો ઉંડો ગયો હશે તેની જાણ તાત્કાલિક થશે અને તેને બચાવી શકાશે

(1:38 PM IST)