<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવા આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી 5 દિવસ માટે બંધ રહેશે.

ઉષા બ્રેકો કંપની દ્વારા અર્ધવાર્ષિક મેઇન્ટેનન્સની કામગીરી અર્થે નિર્ણય લેવાયો:ભક્તોએ માચીથી નિજ મંદિર સુધી પગથિયાં ચઢીને દર્શન માટે જવું પડશે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા લાખો માઇભક્તો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ડુંગર પર કાર્યરત રોપવે સેવા આગામી દિવસોમાં સતત 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેનું સંચાલન કરતી સંસ્થા દ્વારા ટેકનિકલ ચકાસણી અને સુવિધાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાવાગઢ ખાતે આગામી તારીખ 3 ઓગસ્ટ થી તારીખ 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને અર્ધવાર્ષિક મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ 5 દિવસ દરમિયાન રોપવેની ટ્રોલીઓ થંભી જશે.
પાવાગઢ ખાતે રોપવે સેવાનું સંચાલન અને દેખરેખ કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, રોપવેના વાયર રોપ, ટ્રોલી અને અન્ય યાંત્રિક સાધનોની ઝીણવટભરી તપાસ તથા સર્વિસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય અને યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે.
મેઇન્ટેનન્સની તમામ જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ, તારીખ 8 ઓગસ્ટ થી પાવાગઢ રોપવે સેવા ભક્તો અને યાત્રાળુઓ માટે ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. 8 ઓગસ્ટથી દર્શનાર્થીઓ પૂર્વવત રીતે રોપવેની સફરનો લાભ લઈ શકશે.
રોપવે સેવા બંધ રહેવાના આ 5 દિવસ દરમિયાન પાવાગઢ આવતા દર્શનાર્થીઓને માચીથી નિજ મંદિર સુધી પહોંચવા માટે રોપવેની સુવિધા મળશે નહીં. આ સમયગાળા દરમિયાન માઇભક્તોએ ડુંગરના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા જવું પડશે. જેથી દૂર-દૂરથી આવતા યાત્રાળુઓને આયોજનપૂર્વક આવવા અને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

(1:23 PM IST)