<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રન ફોર યુનિટિઃ રીટાબેન પટેલ અને રવિન્‍દ્ર ખતાલેના હસ્‍તે પ્રારંભ

ગાંધીનગરઃ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્‍મજ્‍યંતી નિમિત્તે આજે પાટનગર ગાંધીનગર ખાતે રાષ્‍ટ્રભાવના અને એકતાનું અદ્વુત દર્શન કરાવતી ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રાષ્‍ટ્રવ્‍યાપી પર્વની ઉજવણીના ભાગરૂપે સ્‍વર્ણિમ પાર્ક ખાતેથી અખંડ ભારતના મહાનાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોહપુરુષના બલિદાન અને યોગદાનને સ્‍મરવાના આ અવસરે, ગાંધીનગરના સ્‍વર્ણિમ પાર્ક ખાતે ધારાસભ્‍ય શ્રી રીટાબેન પટેલ તથા જિલ્લા કલેક્‍ટર શ્રી રવિન્‍દ્ર ખતાલે સહિતના ગરિમાવંતા મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. આ તકે મહાનુભાવોએ હરિયાળા પાટનગરની ધરા પરથી ‘ફલેગ ઓફ'  કરાવી ‘રન ફોર યુનિટી'નો મંગલ શુભારંભ કરાવ્‍યો હતો. પોલીસ વિભાગ અને ફોરેસ્‍ટ વિભાગના શૌર્યવંતા જવાનો, ડી.એલ.એસ.એસ.ના તેજસ્‍વી વિદ્યાર્થીઓ તેમજ પાટનગરના ખૂણે-ખૂણેથી ઉમટી પડેલા ગાંધીનગરવાસીઓની ઉપસ્‍થિતિએ આ ‘એકતા પર્વ'ની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પ્રસંગે સ્‍વર્ણિમ પાર્ક ખાતે ‘સરદાર પટેલઃ સર્વશ્રેષ્ઠ શિક્ષક' વિષય પર વિશેષ પ્રદર્શની પણ આયોજિત કરવામાં આવી હતી. રન ફોર યુનિટી પ્રસંગે ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, અગ્રણી શ્રી આશિષભાઈ દવે તેમજ અન્‍ય પ્રબુદ્ધ મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:39 AM IST)