તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રશિયન કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત, મેરિટાઈમ-શિપબિલ્ડીંગ અને એજ્યુકેશનમાં સહયોગ માટે ચર્ચા
સેન્ટ પીટર્સબગ બિઝનેસ સમિટ માટે મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયન ડેલિગેશનને જોડાવા મુખ્યમંત્રીશ્રીનું નિમંત્રણ

ગાંધીનગર તા.૨૨ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાન ફેતિસોવે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં રશિયન કોન્સ્યુલ જનરલશ્રીએ ગુજરાત સાથે ખાસ કરીને મેરિટાઈમ, શિપબિલ્ડીંગ અને એજ્યુકેશન સેક્ટર્સમાં સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત દેશમાં સૌથી વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટની નવી પરંપરા વિકસાવી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ચર્ચા-પરામર્શ દરમિયાન એમ પણ કહ્યું કે, દેશના 40 ટકા કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ્સ પરથી થાય છે.
એટલું જ નહીં, શિપ રિસાયકલિંગ અને શિપબિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તથા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી સહિત વિવિધ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝથી ગુજરાત મોર્ડન એજ્યુકેશન હબ બનવા સજ્જ છે તેની પણ વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રશિયન ફેડરેશનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રશિયા પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું તેનો અને તાજેતરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાયું હતું તેનો આ બેઠક દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.
તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રશિયાના સેન્ટ પીટર્સબગમાં આગામી સમયમાં યોજાનારી બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પણ વાઇબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાનું ડેલિગેશન સહભાગી થાય તેવું નિમંત્રણ આપ્યું હતું.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. પ્રવીણા ડી.કે, તથા ઇન્ડેક્ષ-બીના જોઈન્ટ એમ.ડી. અમિત પ્રકાશ યાદવ પણ જોડાયા હતા.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
