તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
મહેસાણા BAPS સ્વામિનારાયણ મંદિરે દીપાવલી પર્વે શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર શારદા પૂજન યોજાયું
2000થી વધુ હરિભક્તોએ નવા ચોપડા પૂજ્યા: 3000થી વધુ દીવાઓ અને ભવ્ય આતશબાજીથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું.

મહેસાણા :દીપાવલી નિમિત્તે મહેસાણા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સનાતન વૈદિક પરંપરા અનુસાર અત્યંત ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પવિત્ર શારદા પૂજન (ચોપડા પૂજન) નો ભવ્ય મહોત્સવ સંપન્ન થયો હતો. પૂજ્ય સંતોના સાંનિધ્યમાં અને તેમના મુખેથી થયેલા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કાર્ય સંપન્ન કરાયું હતું. આ મંગલકારી અવસરે મહેસાણા શહેર તેમજ આસપાસના પંથકમાંથી 2,000 થી પણ વધુ યજમાનો અને હરિભક્તો પોતાના ધંધા-રોજગાર, વેપાર અને એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા નવા વહીખાતા-ચોપડા લઈને ઉપસ્થિત રહ્યા હતા અને લક્ષ્મીજી તથા સરસ્વતી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
BAPS ના વિદ્વાન સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિભક્તોને કંકુ-અક્ષત, શ્રીફળ અને પુષ્પો દ્વારા ચોપડા, લેપટોપ અને નાણાકીય દસ્તાવેજોનું વિધિવત પૂજન કરાવવામાં આવ્યું હતું. આગામી નવું વર્ષ વેપાર-રોજગારમાં બરકત અને સફળતા લાવે તેવી સૌએ પ્રાર્થના કરી હતી. દીપાવલીના આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસરને 3,000 થી વધુ માટીના કોડિયાં-દીવાઓના અજવાળાથી શણગારવામાં આવ્યું હતું.
મંદિરમાં પ્રગટાવવામાં આવેલા હજારો દીવાઓના દિવ્ય અને તેજોમય નયનરમ્ય દ્રશ્યો નિહાળી ઉપસ્થિત સૌ ભક્તોએ અલૌકિક ધન્યતાનો અનુભવ કર્યો હતો.શારદા પૂજન અને સંધ્યા આરતીની પૂર્ણાહુતિ બાદ મંદિર પરિસર ખાતે આકર્ષક અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી ફટાકડાના અદ્ભુત નજારા સાથે પ્રકાશના આ મહાપર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
