તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ઉમરેઠમાં કેસરિયો લહેરાયો: ભાજપના હર્ષદ પરમારનો ૩૦,૫૦૦ મતોથી ભવ્ય વિજય, હાર ભાળી ગયેલા કોંગ્રેસે ફરી EVM પર ઠાલવ્યો દોષનો ટોપલો
પિતા ગોવિંદભાઈ પરમારના વારસાને પુત્રએ જાળવી રાખ્યો: હાર બાદ કોંગ્રેસના ભૃગુરાજસિંહના સવાલ- "આખો દિવસ વપરાયા છતાં EVMની બેટરી 99% કેમ?"

ઉમરેઠ, તા.૦૪: આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા મુજબ જ ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર તેમના પુત્ર હર્ષદ પરમારે ૩૦,૫૦૦ મતોની જંગી સરસાઈથી કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને પરાસ્ત કર્યા છે. વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપે જે લીડ મેળવી હતી, તે અંતિમ ૨૨મા રાઉન્ડ સુધી અતૂટ રહી હતી.
જીત બાદ હર્ષદ પરમાર ભાવુક થયા
પોતાની ભવ્ય જીત બાદ હર્ષદ પરમાર ભાવુક જણાયા હતા. તેમણે આ વિજયને તેમના પિતાને સાચી શ્રદ્ધાંજલિ ગણાવતા કહ્યું કે, "આ ઉમરેઠની જનતાનો પ્રેમ અને મારા પિતાના કરેલા કાર્યોનો વિજય છે." કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા EVMના આક્ષેપો પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ પાસે હારના બહાના સિવાય કંઈ બચ્યું નથી, જો બેલેટ પેપરથી પણ ચૂંટણી થાય તો ભાજપની જીત નક્કી જ છે.
કોંગ્રેસે ઉઠાવ્યા EVM ની બેટરી પર સવાલ
બીજી તરફ, કારમી હારનો સામનો કરનાર કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પરિણામ સ્વીકારવાને બદલે EVM મશીનની ટેકનિકલ બાબતો પર શંકા વ્યક્ત કરી છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા પૂછ્યું કે, "આખો દિવસ મતદાન પ્રક્રિયામાં વપરાયા હોવા છતાં મતગણતરી વખતે EVM મશીનની બેટરી ૯૯ ટકા કઈ રીતે બતાવી શકે?" તેમણે આ બાબતે પક્ષના હાઈકમાન્ડને વિગતવાર રિપોર્ટ સોંપીને ગેરરીતિની તપાસ કરાવવાની માંગ કરી છે.
ચૂંટણીના આંકડા પર એક નજર
મતગણતરીના ૧૫મા રાઉન્ડ સુધીમાં જ ભાજપે ૨૦,૦૦૦થી વધુની લીડ મેળવી લીધી હતી, જે ૧૭મા રાઉન્ડના અંતે ૨૩,૮૨૫ પર પહોંચી હતી. અંતિમ પરિણામ જાહેર થતા હર્ષદ પરમાર ૩૦,૫૦૦ મતોથી વિજેતા જાહેર થયા હતા. ભાજપના આ વિજય સાથે જ ઉમરેઠ અને આણંદમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને કેસરીયો ઉત્સવ મનાવ્યો હતો. હવે ઉમરેઠના બાકી રહેલા વિકાસકામોને વેગ આપવા હર્ષદ પરમારે કટિબદ્ધતા દર્શાવી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
