<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સમીર મોદી અને ઉપ પ્રમુખ પદે ઉમેદ ચૌધરીની સત્તાવાર વરણી

ભાજપે સત્તાનું સુકાન યુવા અને અનુભવી નેતાઓના હાથમાં સોંપ્યું:જાહેરાત થતાં જ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ

સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ આખરે પ્રમુખ અને ઉપપ્રમુખના નામો પરથી પડદો હટી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મેન્ડેડ જાહેર કરવામાં આવતાની સાથે જ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સમીર મોદી અને ઉપ પ્રમુખ પદે ઉમેદ ચૌધરીની સત્તાવાર વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૩૫ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપે સત્તાનું સુકાન યુવા અને અનુભવી નેતાઓના હાથમાં સોંપ્યું છે. 

સુરત જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ગલિયારાઓમાં ભારે અટકળો ચાલી રહી હતી. અનેક દાવેદારોના નામો રેસમાં હોવાને કારણે સસ્પેન્સ ઘેરાયું હતું. જોકે, ભાજપ સંગઠન દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને આખરે સમીર મોદીના નામ પર પ્રમુખ તરીકે અને ઉમેદ ચૌધરીના નામ પર ઉપપ્રમુખ તરીકે મહોર મારવામાં આવી છે. પાર્ટી તરફથી મેન્ડેડ આવતાની સાથે જ બંને નેતાઓની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેને તમામ સભ્યોએ આવકારી લીધી છે.

 

આ વખતની સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. વિપક્ષના સૂપડા સાફ કરતા ભાજપે ૩૬ માંથી ૩૫ બેઠકો પર એકતરફી જીત હાંસલ કરીને પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે. આ પ્રચંડ બહુમતી બાદ પક્ષ માટે એવા નેતૃત્વની પસંદગી કરવી જરૂરી હતી જે તમામ વર્ગોને સાથે લઈને ચાલી શકે. સમીર મોદી અને ઉમેદ ચૌધરીની જોડી આગામી સમયમાં પક્ષના ભરોસા પર ખરી ઉતરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

પદભાર સંભાળતાની સાથે જ પ્રમુખ સમીર મોદી અને ઉપપ્રમુખ ઉમેદ ચૌધરીએ જિલ્લાના વિકાસ માટે પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે બંને નેતાઓએ અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે

 

(1:56 PM IST)