તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
સાણંદ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસ: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બે નરાધમોને ૨૦ વર્ષની સખત કેદ
ખોટી ઓળખ આપી સગીરાનું અપહરણ કરનાર આરોપીઓને પોક્સો કોર્ટની ફટકાર, એક આરોપી જેલ હવાલે જ્યારે બીજા માટે વોરંટ જારી.

અમદાવાદ:સાણંદની ‘ભગિની કન્યા છાત્રાલય’માંથી ૧ માર્ચ ૨૦૨૪ના રોજ ૧૪ વર્ષની સગીરાનું કાકા તરીકે ખોટી ઓળખ આપી અપહરણ કરવાના અને ત્યારબાદ અમાનુષી દુષ્કર્મ ગુજારવાના સનસનીખેજ કેસમાં અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જજ બી.એસ. મહેતાએ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બંને આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કેસની વિગત અનુસાર, આરોપી સાહીલકુમાર મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂને છાત્રાલય પ્રશાસનને ગેરમાર્ગે દોરી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેને રિક્ષામાં બેસાડી અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસમાં બંને આરોપીઓના નામ ખુલ્યા હતા. સરકારી વકીલ ભરતસિંહ સી. રાઠોડે દલીલ કરી હતી કે સગીરા ૧૬ વર્ષથી નાની હોવાથી કાયદા મુજબ નરાધમોને મહત્તમ સજા મળવી અનિવાર્ય છે.
કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો હતો કે, જ્યારે પીડિતાની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હોય ત્યારે કાયદાકીય જોગવાઈ મુજબ આરોપીઓને ૨૦ વર્ષથી ઓછી સજા થઈ શકે નહીં. આ ચુકાદા દ્વારા કોર્ટે સમાજમાં કાયદાનો ડર જળવાઈ રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ કેસ પ્રિઝમ્પશન અને મજબૂત પુરાવાઓના આધારે સાબિત થયો છે, જેનાથી પીડિતાને ન્યાય મળ્યો છે.
સજાના અમલીકરણમાં, સાહીલકુમારને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ, સુલતાન જે ટ્રાયલ દરમિયાન જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો છે, તેની ધરપકડ કરવા માટે કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરી પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ કેસ હવે કાયદાકીય દ્રષ્ટિએ મહિલા સુરક્ષા અને સગીરાઓની સુરક્ષા માટે એક દાખલારૂપ કિસ્સો બન્યો છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
