<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

બહુચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયા બન્યા પાલિકાના સભ્ય : સામાન્ય પરિવારની મહિલા કોર્પોરેટર બનતા ખુશીનો માહોલ

બહુચરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો: આ જીતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બંગડીઓ વેચીને ગુજરાન ચલાવતા સંશીબેન કાંગશિયા રહ્યા

મહેસાણા જિલ્લાની બહુચરાજી નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. વોર્ડ નંબર 4 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બંગડીઓ વેચીને ગુજરાન ચલાવતા સંશીબેન કાંગશિયા રહ્યા છે, જેઓ હવે સામાન્ય મહિલામાંથી નગરપાલિકાના સભ્ય બન્યા છે.

વોર્ડ નંબર 4 માં ભાજપના ચારેય ઉમેદવારો જગદીશભાઈ વાલ્મિકી, મનુભાઈ ઠાકોર, મિતલબેન ઠાકોર અને સંશીબેન કાંગશિયાએ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.

 

 

આ પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત સંશીબેન કાંગશિયાની જીત છે. સંશીબેન વર્ષોથી બહુચરાજી પંથકમાં બંગડીઓ વેચવાનું કામ કરે છે. એક સામાન્ય શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતી મહિલાને ભાજપે ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. જનતાએ પણ તેમને ઉમળકાભેર આવકારીને વિજયી બનાવ્યા છે. એક બંગડી વેચનાર મહિલા હવે નગરપાલિકાના સભાગૃહમાં બેસીને લોકોના પ્રશ્નો અને શહેરના વિકાસ માટે અવાજ ઉઠાવશે, જેની સમગ્ર મહેસાણા પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

આ વિજય સાથે જ કાર્યકરોએ વિજય સરઘસ કાઢીને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. ખાસ કરીને સંશીબેન જેવી પાયાની કાર્યકરને પક્ષે ટિકિટ આપી અને જનતાએ તેમને સ્વીકાર્યા, તે લોકશાહીની સુંદરતા દર્શાવે છે. હવે આ સામાન્ય મહિલા કોર્પોરેટર બનીને નગરના વિકાસ કાર્યોમાં કેવી રીતે સહભાગી બને છે તેના પર સૌની મીટ મંડાણી છે.

(4:18 PM IST)