<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

સખી મંડળની બહેનોને ફળ્યો ‘સરસ મેળો’: પાંચ વર્ષમાં ₹39 કરોડથી વધુનો વકરો: જામનગરના પુરીબેનની હસ્તકલાને ‘સરસ મેળા’ના માધ્યમથી મળી નવી ઓળખ:એક મેળામાં થાય છે અંદાજે રૂ. 1 લાખનું ટર્નઓવર

વોકલ ફોર લોકલને પ્રોત્સાહન: રાજ્યના 7 જિલ્લાઓમાં આયોજિત પ્રિ-નવરાત્રિ મેળામાં 250થી વધુ સ્વ-સહાય જૂથો જોડાયા આ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘સ્ત્રી શક્તિ – સખી શક્તિ’ની થીમ પર મેળો યોજાશે 50થી વધુ સ્ટોલમાં બહેનો હેન્ડીક્રાફટ, હેન્ડલૂમ, હર્બલ, ડેકોરેટિવ આઈટમ્સ, ફૂડ પ્રોડક્ટ્સ વગેરેનું વેચાણ કરશે

( અશ્વિન વ્યાસ દ્વારા )ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતાં ‘આત્મનિર્ભર ભારત’નું વિઝન આપ્યું છે. તેમના વિઝનને અનુસરીને ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. આ દિશામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC)ના આયોજિત ‘સરસ મેળા’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સરસ મેળાના માધ્યમથી રાજ્યની સખી મંડળોની બહેનોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા 236 મેળાઓમાં સખી મંડળોની બહેનોએ ₹39 કરોડથી વધુનું વેચાણ કર્યું છે.

સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને સીધું બજાર જોડાણ મળી રહે અને તેમના ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસાયલક્ષી તકો ઉપલબ્ધ થાય તે હેતુસર છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ 236 સરસ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં 8,500થી વધુ સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો છે અને કુલ રૂ. 39.06 કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે. આ મેળાઓ સખી મંડળોની બહેનોને માત્ર ઉત્પાદનોના વેચાણ માટેનું પ્લેટફોર્મ જ નહીં, પરંતુ ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવાની તક પણ પૂરી પાડે છે

 

જામનગર સ્થિત સોમનાથ સખી મંડળના પુરીબેન રબારી ‘સરસ મેળા’ના માધ્યમથી ભરતકામ, મિરર વર્ક અને પેચવર્ક જેવી પરંપરાગત હસ્તકલાને આગળ ધપાવી રહ્યાં છે. ‘હાલારી હેન્ડીક્રાફ્ટ’ અંતર્ગત તેઓ હેન્ડમેડ જ્વેલરી, અપેરલ, ડેકોરેશનની વસ્તુઓ સહિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરે છે.

તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલા પ્રિ-નવરાત્રી સરસ મેળામાં ભાગ લેનાર પુરીબેન રબારી જણાવે છે કે, “હું છેલ્લા બે વર્ષથી સરસ મેળામાં ભાગ લઈ રહી છું. મારા કામની શરૂઆત જ સરસ મેળાથી થઈ છે. આવડત તો મારામાં પહેલેથી હતી, પરંતુ તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું અને બજાર સાથે જોડવાનું કામ સરસ મેળાએ કર્યું છે. દરેક મેળામાં મારું અંદાજે રૂ. 1 લાખથી વધુનું વેચાણ થાય છે. ગયા વર્ષે મારું કુલ ટર્નઓવર રૂ. 4.5થી 5 લાખ જેટલું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં જ એટલું ટર્નઓવર થઈ ગયું છે.

 પુરીબહેન કહે છે : “ હવે તો જીએલપીસીની માર્કેટિંગ સહાય યોજના અંતર્ગત મારા પ્રોડક્ટ્સ ઈકોમર્સ પ્લેટફોર્મ તેમજ વોટ્સએપ પર ઓનબોર્ડ કરીને મને ઓનલાઇન ઓર્ડર પણ મળે છે. મારું લક્ષ્ય આપણી જૂની પરંપરાગત હસ્તકલાને નવા સ્વરૂપમાં રજૂ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું છે. આજે હું જે વ્યવસાય કરી શકી છું તેમાં સરસ મેળાનું મોટું યોગદાન છે. ગુજરાત સરકારની આ પહેલથી મારા જેવી અનેક બહેનો આર્થિક રીતે સશક્ત બની છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

સખી મંડળોના ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર મળે તે દિશામાં આ વર્ષે શ્રાવણ ઉત્સવ અંતર્ગત રાજ્યમાં 7 સરસ મેળાઓ યોજાયા હતા. આ મેળાઓમાં 187 સ્ટોલ દ્વારા 370થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને કુલ રૂ. 140 લાખનું વેચાણ નોંધાયું હતું. આ મેળાઓની 10 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. 

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લાઓમાં પ્રિ-નવરાત્રિ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા-જુદા તબક્કામાં 10 ઓક્ટોબર સુધી યોજાશે. આ મેળાઓમાં 250થી વધુ સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી તાલુકાઓની બહેનો માટે પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ મેળાના સ્થળે આવીને બજારની તકો, મેળામાં ભાગ લેવાના લાભો અને પોતાના ઉત્પાદનોના સીધા વેચાણ માટે ઉપલબ્ધ પ્લેટફોર્મ વિશે જાણકારી મેળવી શકે.

 

ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ઉપરાંત તેઓને રહેવા, જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. વધુમાં સખી મંડળની બહેનોને આવવા જવા માટે ભાડું પણ આપવામાં આવે છે. 

આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘સ્ત્રી શક્તિ – સખી શક્તિ’ની થીમ આધારિત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં 50થી 60 સ્ટોલ હશે, જેમાં સખી મંડળની બહેનો હેન્ડીક્રાફટ, હેન્ડલૂમ, હર્બલ, ડેકોરેટિવ આઈટમ્સ, ફૂડ પ્રોડક્ટ્સ વગેરેનું વેચાણ કરશે. સ્થળ પર GLPCનો વિશેષ બૂથ પણ મૂકવામાં આવશે, જ્યાં બહેનોને વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધ તકો અંગે સ્થળ પર જ માહિતી મળી રહેશે. આ પહેલથી મહિલાઓને સીધું બજાર જોડાણ મળવાની સાથે ‘વોકલ ફોર લોકલ’ને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

(1:42 PM IST)