<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સાવલી-મેવલી રોડ પર ટ્રિપલ અકસ્માત : દૂધનું ટેન્કર- પિકઅપ અને બાઈક વચ્ચે ટક્કર : બાઈક ચાલકનું મોત

વસંતપુરા ગામના પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત : ગંભીર ઈજાઓ થવાના કારણે બાઈક સવાર 40 વર્ષીય વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સાવલી-મેવલી રોડ પર વસંતપુરા ગામ નજીક આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. દૂધનું ટેન્કર, પિકઅપ ડાલુ અને મોટરસાઈકલ વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં 40 વર્ષીય બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વસંતપુરા ગામના પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પુરપાટ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે પિકઅપ વાન અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે બાઈક સવાર 40 વર્ષીય વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને 108 મારફતે સાવલી CHC (રેફરલ હોસ્પિટલ) ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેન્કર ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

(8:38 PM IST)