તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સુરતના ડુમસ મેરેથોનના નામે SBIનો લોગો ચોંટાડી રૂ. 999માં નોંધણી, સ્પોર્ટ્સ કિટની લાલચ આપી ઠગાઈ
લિંકમાં સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, ગુડીઝ બેગ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની લાલચ આપી : ડોમેન પ્રોવાઈડરને જાણ કરાતાં લિંક બ્લોક કરી દેવાઈ

સુરતમાં સાઇબર માફિયાઓએ 19મીએ ડુમસમાં મેરેથોનના નામે નકલી ઈવેન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લિંકમાં SBIને સ્પોન્સર બતાવી 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન માંગવામાં આવતું હતું. જો કે બેંકની પરવાનગી વગર જ લોગોનો ઉપયોગ કરાયો હતો. SBIએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં ડુમસ બીચ ખાતે 10 કિમીની મેરેથોન યોજાનાર હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર લિંક વાયરલ કરાઈ હતી, જેમાં ભાગ લેનારાઓને 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. આ લિંકમાં સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, ગુડીઝ બેગ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની લાલચ આપી હતી. આ સાથે જ ઇવેન્ટને પ્રતિષ્ઠિત બતાવવા SBIને મુખ્ય સ્પોન્સર તરીકે દર્શાવવામાં આવી હતી.
જો કે, આ શંકાસ્પદ મામલો SBIના ધ્યાન પર આવતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. SBI દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે અજાણ્યા શખ્સોએ બેંકના લોગોનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે.
સુરતમાં બેંકના અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ‘આ મેરેથોન અંગે SBI તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે સ્પોન્સરશિપ આપવામાં આવી નથી. બેંકના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની આ યોજના હોઈ શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં, આ ઈવેન્ટ સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને આવા નકલી બેનર તથા લિંક્સથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.’
ડુમસ પોલીસ સ્ટેશન પીઆઈ, એમ.વી.પટેલ, જણાવ્યું હતું કે , સોશિયલ મીડિયા પર કાર્યરત લિંકને હટાવવા અમે ડોમેન પ્રોવાઈડરને લેખિત જાણ કરી હતી, જેના પરિણામે હાલમાં આ લિંક બ્લોક કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મેરેથોનના નામે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય તેવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
