<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

રાજ્યમાં દરેક શાળામાં સ્કૂલ વેલનેસ ટીમ ફરજિયાત રહેશે: 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલર રાખવો પડશે.

ગુજરાત સરકારે ધોરણ 9થી 12ની શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નવા નિયમો લાગુ કરવાની જોગવાઈ કરી:માર્ક્સના આધારે ભેદભાવ કે જાહેર અપમાન કરી શકાશે નહીં. શિક્ષકોને તાલીમ, ગોપનીય ફરિયાદ વ્યવસ્થા અને જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પણ ફરજિયાત રહેશે

અમદાવાદ :વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્વયે હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ અને આત્મહત્યા નિવારણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી ફરજિયાત બનશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષાઓમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. પરીક્ષાઓની તૈયારી, ઉચ્ચ ગુણ મેળવવાની સ્પર્ધા, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, ભવિષ્યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ, પ્રદર્શન સંબંધિત ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ અને હતાશા જેવા લક્ષણોનો સામનો કરી રહ્યા છે. રાજ્યની ભાવી પીઢી અને આવતીકાલના વિકસિત ગુજરાતના ઘડવૈયાઓ એટલે કે આજના વિદ્યાર્થીઓની આ જ્વલંત સમસ્યા પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા મજબૂત પગલાં લેવામાં આવ્યા છે.

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974 માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16 (અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થિયોંના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10 ની માધ્યમિક તથા ધોરણ 11-12 ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

 

સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેર કરવામાં આવેલી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગેની 15 બંધનકર્તા માર્ગદર્શિકાઓ તથા ચાર નિર્દેશોને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે આ ચુકાદાના અમલ માટે રાજ્યોને સૂચના આપી હતી. NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી UMMEED એટલે કે (સમજો), Motivate (પ્રેરણા આપો), Manage (વ્યવસ્થા કરો), Empathise (સહાનુભૂતિ આપો), Empower (સશક્ત બનાવો), Develop (વિકાસ કરો) માર્ગદર્શિકાઓને પણ આધારરૂપ સંદર્ભ તરીકે સ્વીકારવામાં આવી છે.

 

વિનિયમ 16 (અ) મુજબ, "વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સુરક્ષા સર્વોપરી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે નિયમિત કાઉન્સેલિંગ, જાગૃતિ કાર્યક્રમો અને સમયસર માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને તણાવમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા પરિશિષ્ટ-8 માં દર્શાવેલ જોગવાઈઓ અંતર્ગત નિયત કાર્યવાહી કરવાની રહેશે. જેથી માનસિક તણાવમાં રહેતા અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી, તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડી શકાય."

 

નવી વ્યવસ્થા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) માં રજિસ્ટર્ડ થયેલ ધોરણ 9 થી 12 ની દરેક શાળામાં ફરજિયાત 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) ની રચના કરવાની રહેશે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીની જાળવણી ઉપરાંત આત્મહત્યા અથવા અન્ય ગંભીર જોખમી પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી થઈ શકે તે માટે ટીમને તાલીમબદ્ધ કરવામાં આવશે.

સ્કૂલ વેલનેસ ટીમમાં શાળાના આચાર્ય ટીમ લીડર અને શાળા કાઉન્સેલર અથવા નિયત કરેલ શિક્ષક ટીમ કો-ઓર્ડિનેટર તરીકે રહેશે, જ્યારે કે સભ્ય તરીકે માધ્યમિક (ધો. 9-10) અને ઉચ્ચતર માધ્યમિક (ધો. 11-12) માં થી એક-એક શિક્ષક, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના એક પ્રતિનિધિ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી એક-એક પીઅર મોનિટર અથવા લીડર (મનો-મિત્ર) અને એક બિન-શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થશે. દર વર્ષે શૈક્ષણિક સત્રના પ્રારંભે SWTની રચના કરવાની રહેશે અને તેની કામગીરીની વાર્ષિક સમીક્ષા કરવી ફરજિયાત રહેશે.

 

(10:10 PM IST)