<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નર્મદા જિલ્લામાં બાઈક યાત્રાનો બીજો દિવસ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ : મંત્રી પ્રફુલ પાનશેરીયા અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ યાત્રામાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તિલકવાડા ખાતે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા તા.૧૫ :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત બાઈક યાત્રાનું નર્મદા જિલ્લામાં આગમન થયું હતું. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ પ્રસ્થાન કરાયેલી આ બાઈક યાત્રાએ નર્મદા જિલ્લામાં બીજા દિવસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં પુણ્યસલીલા મા નર્મદાના પવિત્ર જળને કળશમાં ધારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા નિર્ધારિત માર્ગે રવાના થઈ હતી. નાયબ દંડક વિજયભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તિલકવાડા સુધી બાઈક ચલાવી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પ્રફુલ પાનશેરીયા પણ એકતાનગર ખાતેથી આ યાત્રામાં જોડાયા હતા. બાઈક યાત્રા ભાદરવા અને દેવલિયા થઈ તિલકવાડા ખાતે પહોંચતા સ્થાનિક આગેવાનો તથા આંગણવાડીની બહેનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

તિલકવાડા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રાંગણમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લાભાર્થીઓએ યોજનાઓથી મળેલા લાભ અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

 

આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. વડાપ્રધાનશ્રીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સમગ્ર વિશ્વને આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું વિઝન ‘હર ખેત મેં પાની, હર હાથ કો કામ’નું છે. આ દિશામાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોથી નાગરિકો લાભાન્વિત થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ‘અમે એક છીએ’નો સંદેશ આપ્યો છે. આજે દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.

 

આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ શાળાઓના કારણે આદિવાસી વિસ્તારના દીકરા-દીકરીઓ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી તબીબી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. આરોગ્ય સુવિધાઓ પણ સતત મજબૂત બની રહી છે, જેના પરિણામે ‘નવું ભારત’ નિર્માણ પામી રહ્યું છે. દેશહિતમાં સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ, તેવી અપીલ પણ તેમણે કરી હતી.

 

સંવાદ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા વડોદરા જિલ્લા તરફ પ્રસ્થાન કરી હતી.

 

આ સમગ્ર યાત્રામાં નાંદોદના પ્રાંત અધિકારી પરશનજીત કૌર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ સહિતના અન્ય આગેવાનો, પ્રદેશ કક્ષાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

 

(4:15 PM IST)