<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગુજરાતમાં મેઘમહેરનો બીજો રાઉન્ડ: ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવણીનો માહોલ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી: ૨૨ થી ૨૫ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા.

રાજકોટ, : ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ૨૨ થી ૨૫ જૂન દરમિયાન રાજ્યમાં વરસાદના વધુ એક મજબૂત રાઉન્ડની આગાહી કરી છે.

ગત ૧૮ થી ૨૦ જૂન સુધીમાં મહીસાગર, દાહોદ, ગોધરા, અમરેલી અને ભાવનગરમાં ૫ થી ૬ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. હવે ૨૧ જૂનથી સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના ૧૦ જિલ્લાઓમાં ૩૦ થી ૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની શક્યતા છે.

આ અગાઉ ૮ જૂનથી સર્જાયેલા મોન્સૂન બ્રેકના કારણે ચોમાસાના પ્રવેશમાં વિલંબ થયો હતો, પરંતુ હવે સિસ્ટમ ફરી સક્રિય થતાં અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. આજે પણ અમરેલીમાં ૧.૬ ઈંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદ નોંધાયો છે, જે સિસ્ટમની સક્રિયતા દર્શાવે છે.

આગામી તબક્કામાં ૨૮ જૂનથી ૩ જુલાઈ દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે, જે રાજ્યમાં સાર્વત્રિક વાવણી સુનિશ્ચિત કરશે. હવામાન નિષ્ણાંતોના મતે અત્યાર સુધી જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, ત્યાં પણ આગામી સિસ્ટમ દરમિયાન વાવણી લાયક વરસાદ થવાની પ્રબળ સંભાવના છે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

(11:52 PM IST)