<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સુરત કોર્ટમાં બૉમ્બ હોવાનો ધમકીભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ઉમરા પોલીસ, SOG અને ડૉગ સ્ક્વોડે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી:બિલ્ડીંગ ખાલી કરાવ્યું:આ મેઈલ મોકલનારની ઓળખ મેળવવા માટે પોલીસ ટેકનિકલ તપાસ કરી

સુરત શહેરની કોર્ટમાં ફરી એકવાર બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોર્ટ પરિસરમાં બૉમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો મેઈલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સમગ્ર કોર્ટ બિલ્ડીંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.

 

આ ગંભીર પ્રકારની ધમકી મળતા જ ઉમરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોચ્યો છે. આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ડૉગ સ્ક્વોડની ટીમોએ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે. કોર્ટના પરિસરના દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને સત્યતા જાણી શકાય અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

 

 

ફરી એકવાર કોર્ટમાં ધમકીભર્યો મેઈલ મળવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કોર્ટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મેઈલ મોકલનારની તપાસ ટેકનિકલ ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

(8:51 PM IST)