તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 8th July 2026
સુરતમાં મેઘતાંડવ વચ્ચે સિનિયર IAS શાલિની અગ્રવાલે મોરચો સંભાળ્યો : સર્કિટ હાઉસમાં બેસવાને બદલે પૂરના પાણીમાં બોટ લઈને જાત નિરીક્ષણ માટે નીકળતા સુરતવાસીઓ આફ્રિન પોકારી ઉઠ્યા
વર્ષ ૧૯૪૧ ના ઐતિહાસિક વરસાદનો રેકોર્ડ તૂટે તેવી વાદળ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાથે મળીને કમાન્ડ કંટ્રોલ રૂમ અને ગ્રાઉન્ડ ઝીરો પરથી બચાવ કામગીરીનું અભૂતપૂર્વ સંકલન : ફસાયેલા લોકો માટે ખોરાક-પાણી અને રોગચાળો રોકવા મેડિકલ ટીમો સ્ટેન્ડ ટુ રખાઈ

રાજકોટ: સુરત શહેરમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાતાં અને ચારેબાજુ પાણી-પાણી થઈ જતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત પર મેઘરાજાએ એવો કાળો કેર વરતાવ્યો છે કે વર્ષ ૧૯૪૧ ના જુલાઈ મહિનામાં નોંધાયેલા ઐતિહાસિક વરસાદનો વિક્રમ પણ તૂટી ગયો હોય તેવી ભયાનક સ્થિતિ પેદા થઈ છે. આ કુદરતી આફતની ગંભીરતાને સમજીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સુરતની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી તંત્રનો વિશાળ અનુભવ ધરાવતા સિનિયર IAS શાલિની અગ્રવાલને સુરત શહેરની કમાન સોંપવામાં આવી છે. IAS શાલિની અગ્રવાલે શહેરમાં પગ મૂકતાની સાથે જ પોતાની પસંદગીને સાર્થક સાબિત કરી બતાવી છે અને પૂરની આ વિકટ પરિસ્થિતિમાં અદભુત વ્યવસ્થા ગોઠવીને વહીવટી કુશળતાનો ઉત્કૃષ્ટ નમૂનો રજૂ કર્યો છે.
સર્કિટ હાઉસ છોડી પોલીસ કમિશનર સાથે પૂરના પાણીમાં બોટમાં નીકળ્યા:
સુરતની કપરી સ્થિતિ વચ્ચે સિનિયર IAS શાલિની અગ્રવાલે એસી ચેમ્બર કે સર્કિટ હાઉસમાં બેસી રહેવાને બદલે સીધા એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી હતી. તેમણે સુરતના પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાથે મળીને કમાન્ડ કંટ્રોલ રૂમના પાવરફુલ કેમેરાઓ દ્વારા શહેરની પળેપળની પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જ્યાં પણ પાણી ભરાયા હતા અને લોકો મુશ્કેલીમાં હતા, તેવા વિસ્તારોમાં તેઓ ખુદ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સાથે બોટમાં બેસીને પહોંચી ગયા હતા. તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ની ટીમો વચ્ચે અદભુત સંકલન સાધીને બચાવ કામગીરીને અત્યંત ઝડપી બનાવી દીધી હતી. તેમણે NDRF ની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનું જાતે નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્થળાંતરિતો અને ઘરમાં કેદ થયેલા લોકો માટે ભોજન - આરોગ્યની ચિંતા કરી
લોકોને સલામત સ્થળે ખસેડ્યા બાદ પણ IAS શાલિની અગ્રવાલે તેમની પૂરતી કાળજી રાખવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે. પૂરના કારણે જે લોકો આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત થયા છે તેમના માટે તેમજ પાણી ભરાઈ જવાના કારણે પોતાના ઘરોમાં કેદ થઈ ગયેલા નાગરિકો સુધી સમયસર ખોરાક અને પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાડવા માટે તંત્રને દોડતું કર્યું છે. આ ઉપરાંત પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી ન ફેલાય અને કોઈ પણ પ્રકારનો ગંભીર રોગચાળો ફાટી ન નીકળે તે માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. શાલિની અગ્રવાલના આદેશથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ડિસ્પેન્સરીઓ અને સિવિલ હોસ્પિટલની આરોગ્ય ટીમોને તાત્કાલિક અસરથી સ્ટેન્ડ ટુ મોડ પર રાખી દેવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ કમિશનરના નેતૃત્વમાં આખું વહીવટી તંત્ર રાત-દિવસ ફિલ્ડમાં રહીને પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે, જેમાં IAS શાલિની અગ્રવાલના સક્ષમ નેતૃત્વ અને જાત નિરીક્ષણના પગલે ગોઠવાયેલી સચોટ વ્યવસ્થા જોઈને સુરતવાસીઓ તેમના પર આફ્રિન પોકારી ઉઠ્યા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
