<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

તા.૧ ઓગસ્ટથી ગુજરાતમાં ટ્રાફિકની ફરિયાદો માટે અલગ નંબર બંધ : હવેથી તમામ રજૂઆતો માટે ડાયલ કરવો પડશે એક જ ઇમરજન્સી નંબર ‘૧૧૨’

૧૮૦૦ ૨૩૩ ૧૧૨૨ ટોલ-ફ્રી નંબર ૧૧૨ હેલ્પલાઇન સાથે મર્જ કરાયો : ચોમાસા દરમિયાન પાણી ભરાવા કે વૃક્ષો ધરાશાયી થવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યામાં પણ વાહનચાલકો માટે ૧૧૨ નંબર મદદરૂપ બનશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની સુવિધા અને ઇમરજન્સી સેવાઓને વધુ સુચારુ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે અત્યાર સુધી કાર્યરત અલગ હેલ્પલાઇન નંબરને હવે સમગ્ર દેશમાં ચાલી રહેલી ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) '૧૧૨' સાથે મર્જ કરી દેવાયો છે. તા. ૧ ઓગસ્ટ ૨૦૨૬થી ટ્રાફિકને લગતી તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માટે માત્ર એક જ ઈમરજન્સી નંબર '૧૧૨' કાર્યરત રહેશે.

 

ટ્રાફિક ક્ષેત્રે પૂર્વમાં કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૧૨૨ પર પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો આવતી હતી. ભારત સરકારના તમામ કટોકટીના નંબરોને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, હેલ્પલાઇન નંબર બદલાયો હોવા છતાં ઓનલાઇન અને મોબાઈલ એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો પહેલાંની જેમ જ યથાવત ચાલુ રહેશે.

 

રાજ્યમાં હાલ ચાલી રહેલી ભારે વરસાદની મોસમ અને હવામાન વિભાગની આગાહીના પગલે પણ આ વ્યવસ્થા અત્યંત ઉપયોગી નીવડશે. વરસાદી માહોલમાં વિવિધ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કે વૃક્ષો ધરાશાયી થવાને લીધે વાહનવ્યવહાર ખોરવાય કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય ત્યારે નાગરિકો ત્વરિત પોલીસ સહાય મેળવવા માટે ૧૧૨ નંબર પર સંપર્ક કરી શકશે. વરસાદી આફતમાં વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે, આથી હવે અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર '૧૧૨' પર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:46 PM IST)