<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અમદાવાદ મનપાની બેઠકમાં શહેરના ગોતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો ગંભીર મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો

પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જરૂરી આગોતરા પગલાં લેવા માટે વહીવટી વિભાગને કડક સૂચના આપવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેઠકમાં શહેરના ગોતા વિસ્તારમાં આવી રહેલા પ્રદૂષિત પાણીનો ગંભીર મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ મામલે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પાણી અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હોવાને કારણે ભારે નારાજગી જોવા મળી હતી. એટલું જ નહીં, લાઈનમાં આવતું પાણી પીવાલાયક નથી તેવી કોઈ સત્તાવાર જાહેરાત પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી ન હતી, તેમજ પાણીની ટાંકીઓ સાફ કરવા અંગે પણ નાગરિકોને કોઈ માર્ગદર્શન કે સૂચના અપાઈ ન હતી.તંત્રની આ ગંભીર નિષ્કાળજીને પગલે બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. 

  જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ઓળખી કાઢી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ ૨૬ જેટલા વિસ્તારોને 'વોટર પોલ્યુશન' (દૂષિત પાણી) હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં નવા વિસ્તારોમાં ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી ન રાખવા માટે તંત્રને કડક તાકીદ કરવામાં આવી છે, સાથે જ પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જરૂરી આગોતરા પગલાં લેવા માટે વહીવટી વિભાગને કડક સૂચના આપવામાં આવી છે.

(11:13 PM IST)