<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

છોટાઉદેપુરના ઓડ ગામે MGVCLની ગંભીર લાપરવાહી: વીજ કરંટ લાગતા 7 વર્ષના માસૂમ બાળકનું કરૂણમોત

જીવતો વીજ વાયર અચાનક નીચે તૂટી પડ્યો: જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા જ માસૂમ સાહિલને જોરદાર કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ગંભીર લાપરવાહીના કારણે એક સાત વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે એક હસતો-રમતો પરિવાર ઉજ્જડ થઈ ગયો છે, જેને પગલે સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

છોટાઉદેપુરના ઓડ ગામે રહેતા વિનુભાઈ રાઠવાનો 7 વર્ષીય માસૂમ પુત્ર સાહિલ ઘર નજીક રમી રહ્યો હતો, ત્યારે MGVCLની 24 કલાક ચાલુ રહેતી લાઇનનો જીવતો વીજ વાયર અચાનક નીચે તૂટી પડ્યો હતો. આ જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા જ માસૂમ સાહિલને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ જર્જરિત વીજ વાયરને રિપેર કરવા અથવા બદલવા માટે MGVCL કચેરીએ અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સરકારી બાબુઓએ આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી. તંત્રની આ આળસ અને ગુનાહિત બેદરકારી આજે આ માસૂમ બાળક માટે કાળ સાબિત થઈ છે.

આ આઘાતજનક ઘટના બાદ પણ MGVCLના કોઈ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ન પહોંચતા અને વીજ લાઇન લાંબો સમય ચાલુ રહેતા ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઝોઝ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. એક તરફ પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવતા ઓડ ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે, તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

(7:37 PM IST)