તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 27th October 2026
અમદાવાદ મનપાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
મેયર ઓફિસમાં બપોરે 12:05 વાગ્યે ધમકીભર્યો ઈમેલ મળ્યો, પરંતુ પોલીસને 2:03 વાગ્યે જાણ કરાઈ. બિલ્ડિંગ ખાલી કરાવવામાં 3:45 વાગ્યા, આણંદથી આવેલી બોમ્બ અને ડોગ સ્ક્વોડે સાંજે 5:58 વાગ્યે તપાસ પૂર્ણ કરી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ધમકી મળ્યા બાદ પોલીસને જાણ કરવામાં, બિલ્ડિંગ ખાલી કરાવવામાં અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ કરવામાં લાગેલા સમયને લઈને સવાલો ઉઠ્યા છે. પ્રાપ્ત સમયરેખા મુજબ, બપોરે 12:05 વાગ્યે મેયર ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, પરંતુ તપાસની કામગીરી કલાકો બાદ શરૂ થઈ હતી.
મળેલી વિગતો પ્રમાણે, મેયર ઓફિસમાં બપોરે 12:05 વાગ્યે ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. જોકે, પોલીસ કમિશનર કચેરીને બપોરે 2:03 વાગ્યે જાણ કરવામાં આવી હતી. આમ, ઈમેલ મળ્યાથી પોલીસને જાણ કરવામાં 1 કલાક 58 મિનિટનો સમય લાગ્યો હોવાનું સામે આવે છે. આ વિલંબ પાછળનું કારણ શું હતું તે અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.
માહિતી અનુસાર, બપોરે 2:11 વાગ્યે AMC ને ઉડાવવાની ધમકી હતી. બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા બપોરે 3:45 વાગ્યા સુધી ચાલી હતી. એટલે કે, લગભગ દોઢ કલાક બાદ બિલ્ડિંગ ખાલી કરાયું હોવાનો દાવો છે. આવા સંજોગોમાં કર્મચારીઓ અને મુલાકાતીઓની સુરક્ષા માટે તાત્કાલિક શું પગલાં લેવામાં આવ્યાં હતાં તે સવાલ મહત્વનો બન્યો છે.
સૌથી મહત્વનો મુદ્દો વિશેષ સુરક્ષા ટીમોની હાજરીનો છે. મળેલી માહિતી મુજબ, AMC માં તપાસ માટે આણંદથી બોમ્બ સ્ક્વોડ બોલાવવામાં આવ્યું હતું. સાંજે 5:15 વાગ્યે બોમ્બ સ્ક્વોડે તપાસ શરૂ કરી હતી, જ્યારે 5:25 વાગ્યે ડોગ સ્ક્વોડ પણ પહોંચ્યું હતું. સાંજે 5:58 વાગ્યે બંને ટીમોની તપાસ પૂર્ણ થઈ હતી.
આ ઘટનાએ અમદાવાદમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા કર્યા છે. શહેરમાં એકસાથે 15 થી વધુ સ્થળે આવી ધમકીઓ મળે તો તંત્ર કેટલી ઝડપથી કાર્યવાહી કરી શકે? સ્થાનિક સ્તરે કેટલી ટીમો કાર્યરત છે અને આણંદથી ટીમ બોલાવવાનો નિર્ણય શા માટે લેવાયો?
અહેવાલો મુજબ, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી અને ધમકી ખોટી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જો કે આટલા મોટા શહેરમાં સુરક્ષાને લઈ બેદરકારી સામે આવતાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
