તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ધાનેરા પાલિકા વિસ્તારમાં ભરઉનાળે પાણીની ગંભીર સમસ્યા : ત્રણ દિવસથી નગર તરસ્યું :ખાનગી ટેન્કરદારોની ઉઘાડી લૂંટ
પાલિકા વિસ્તારમાં કુલ 8 બોર છે પરંતુ તેમાં માત્ર એક જ બોર કાર્યરત : 25 હજારની વસ્તી સામે પાલિકા પાસે માત્ર 2 થી 3 ટેન્કર જ કાર્યરત

બનાસકાંઠાના ધાનેરા પાલિકા વિસ્તારમાં વહીવટદારના શાસનમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્રણ દિવસથી નગર તરસ્યું છે, જ્યારે બીજી તરફ ખાનગી ટેન્કરદારો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહ્યાં ના આક્ષેપો ઉઠ્યા છે. લોકોમાં એક જ માંગ ઉઠી છે અમારા ભાગનું પાણી અમને આપો..
ધાનેરા નગર અને તાલુકાના અનેક ગામોમાં નર્મદા કેનાલની પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ પાઇપલાઇન રિપેરિંગના કારણે છેલ્લા ત્રણ દિવસથી પાણી સપ્લાય ખોરવાઈ ગયો છે. ભર ઉનાળામાં પાણી માટે હાહાકાર મચ્યો છે. હર ગલી, હર ઘર પાણી વગર તરસી રહ્યું છે. ટેન્કર આવતા લોકો વચ્ચે પાણી માટે બેડા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ગરમીની કાળઝાળ વચ્ચે પાણી ગાયબ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પરિસ્થિતિ કાબૂમાં રાખવા ધાનેરા પોલીસને પેટ્રોલિંગ કરવું પડી રહ્યું છે.
ધાનેરા પાલિકા વિસ્તારમાં કુલ 8 બોર છે પરંતુ તેમાં માત્ર એક જ બોર કાર્યરત છે. 25 હજારની વસ્તી સામે પાલિકા પાસે માત્ર 2 થી 3 ટેન્કર જ કાર્યરત હોવાથી સમસ્યા યથાવત છે. બીજી તરફ ખાનગી ટેન્કરદારો દ્વારા વધારે ભાવે પાણી વેચાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વહીવટદારો દ્વારા આગોતરા આયોજનના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.કેનાલ પર નિર્ભર રહી અન્ય બોર શરૂ ન કરાતા હાલ સ્થિતિ વિકટ બની છે. આ મામલે નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે,
જેમણે સમસ્યા હલ કરવાની ખાતરી આપી છે.
આશ્વાસન છતાં છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણી માટે ભટકી રહ્યા છે. સવારથી મોડી રાત સુધી પાણી માટે દોડધામ ચાલુ છે વહીવટદારની બેદરકારીના કારણે આજે સમગ્ર ધાનેરા તરસ્યું છે. હવે સવાલ એ છે કે લોકોના ઘર સુધી પાણી ક્યારે પહોંચશે?
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
