<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ૧૩,૯૬૫ લાભાર્થીઓને રૂ. ૭૫.૩૬ કરોડની લોન-સહાયનું ઈ-વિતરણ કરાયું

વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સહાય-લોનની ચૂકવણી કરાઈ:આર્થિક અને સામાજિક ઉત્કર્ષ દ્વારા છેવાડાના માનવીને સમાજની મુખ્યધારામાં લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

( અશ્વિન વ્યાસ દ્વારા )ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે લોન અને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં મંત્રીના વરદહસ્તે ઓનલાઈન માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ એકસાથે કુલ ૧૩,૯૬૫ લાભાર્થીઓને રૂ. ૭૫.૩૬ કરોડની લોન અને સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.

આ સહાય વિતરણ અંતર્ગત વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ૫,૧૪૬ લાભાર્થીઓને રૂ. ૨૨.૪૦ કરોડ, કુંવરબાઇનું મામેરૂં યોજનાના ૪,૮૩૩ લાભાર્થીઓને રૂ. ૫.૮૦ કરોડ તથા સાતફેરા સમૂહ લગ્ન યોજનાના ૨૯૨ લાભાર્થીઓને રૂ. ૦.૩૮ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

આ ઉપરાંત, ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમના ૨૩૨ લાભાર્થીઓને રૂ. ૪.૮૩ કરોડની લોન, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ૬૫૬ લાભાર્થીઓને રૂ. ૧૭.૦૭ કરોડની લોન, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ૨૪૮ લાભાર્થીઓને રૂ. ૧૯.૩૦ કરોડની લોન અને ૨,૫૦૫ લાભાર્થીઓને રૂ. ૪.૦૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. 

વધુમાં, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ૩૭ લાભાર્થીઓને રૂ. ૧.૧૯ કરોડની લોન તથા ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ૧૬ લાભાર્થીઓને રૂ. ૦.૩૩ કરોડની લોન ચૂકવવામાં આવી છે.

આ તકે મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, અલ્પસંખ્યક સમુદાય તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. આ લોન અને સહાય જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક રીતે પગભર બનાવી સમાજની મુખ્યધારામાં જોડાવામાં મદદરૂપ નીવડશે.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક વિક્રમસિંહ જાદવ, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર એ. કે. જોષી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ એચ. એસ. અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:31 PM IST)