<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

નવસારીમાં મુશળધાર વરસાદથી પૂરની ગંભીર સ્થિતિ : 80 ટકા રસ્તાઓ બંધ: શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર: રેડ એલર્ટ

અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ અને આશ્રયસ્થાનની વ્યવસ્થા સાથે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ; પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે

ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. શહેરમાં પૂર અને વોટર લોગિંગની સમસ્યા એટલી ગંભીર બની છે કે શહેરની ગતિ થંભી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

સ્થિતિ એટલી વિકટ છે કે શહેરના લગભગ 80 ટકા વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. નવસારીના ગ્રીડથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ પાણીના ભરાવાને કારણે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, મરોલીથી નવસારી આવતો સ્ટેટ હાઇવે અને નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે પણ બંધ થવાથી સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારીની ગંભીર સ્થિતિને જોતા વહીવટીતંત્ર તત્કાલ સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે જિલ્લાની તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

શહેરમાં કુદરતી આફત સામે લડવા માટે મહાનગરપાલિકા સંપૂર્ણ સજ્જ છે. અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં જ 2,000 થી વધુ લોકો માટે ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શહેરના કોઈપણ ખૂણે પહોંચાડવાની તૈયારી રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

વધુમાં નાગરિકોની સહાય માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. મુશ્કેલીના સમયે મદદ મેળવવા માટે નાગરિકોને મનપા અને કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી રહી હોવાથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

(12:37 AM IST)