તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
સુરતમાં મચ્છરોનો ભારે ત્રાસ: ૨૦ દિવસમાં ૨૨ હજારથી વધુ બ્રીડિંગ મળ્યા, મનપાએ હોસ્પિટલોને ૨૪ કલાકમાં રિપોર્ટ કરવા કડક આદેશ આપ્યો
ચોમાસા બાદ શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો વધવાની આશંકા વચ્ચે તંત્ર એક્શન મોડમાં: બાંધકામ સાઇટો અને ગરબા ડોમમાં તપાસ દરમિયાન લાખો રૂપિયાનો દંડ ફટકારાયો

સુરત : ચોમાસાની વિદાય બાદ સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી જતાં સુરત મહાનગરપાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (VBDC) વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અને રોગચાળો ફેલાતો રોકવા માટે સમગ્ર શહેરમાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર ૨૦ દિવસમાં ૨૨,૦૦૦થી વધુ સ્થળોએથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો સામે આગોતરા પગલાં લેવાના ભાગરૂપે પાલિકાએ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિકો અને લેબોરેટરીઓને આદેશ આપ્યો છે કે જો કોઈ પણ દર્દીમાં ડેન્ગ્યુ કે મલેરિયાના લક્ષણો અથવા કેસ નોંધાય, તો તેની માહિતી ૨૪ કલાકની અંદર ઈ-મેઈલ દ્વારા મનપાને પૂરી પાડવી ફરજિયાત રહેશે.
મનપાના VBDC વિભાગ દ્વારા ૧ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા કુલ ૧૩,૩૭,૭૫૭ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૨,૧૮૦ ઘરો અને પરિસરોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે આ તમામ સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિસ્થળોનો નાશ કરવાની કામગીરી કરી હતી. મચ્છરો ઉત્પન્ન થાય તેવી ગંદકી અને લાપરવાહી દાખવનારા ૩,૪૯૫ લોકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ. ૧૩,૦૫,૬૦૦નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ સ્થળો પર પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ત્રાસ ન વધે તે માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ ૮૨૧ બાંધકામ સાઇટોમાંથી ૪૦૯ સાઇટ પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે બાંધકામ સ્થળો પર ભારે બેદરકારી દાખવવામાં આવી રહી હતી. આ મામલે મનપાના તંત્ર દ્વારા ૧૯૭ ડેવલપરોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે ૧૫૦ જેટલા જવાબદારો પાસેથી રૂ. ૫,૦૧,૨૦૦નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે.
નવરાત્રિ તહેવાર દરમિયાન લોકો મોટા પ્રમાણમાં એકત્રિત થતા હોવાથી જાહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે મનપાની આરોગ્ય ટીમોએ ખાસ આયોજન કર્યું હતું. ગરબાના ડોમ, મલ્ટિપ્લેક્સ થિયેટરો અને શોપિંગ કોમ્પ્લેક્સ જેવા જાહેર સ્થળોએ પણ VBDC વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. આ ખાસ તપાસ અભિયાન દરમિયાન ૩૧ જેટલા જાહેર સ્થળોએ મચ્છરો સ્પોન થતા હોવાનું સામે આવ્યું હતું, જેનો તુરંત નાશ કરાયો હતો. આ બેદરકારી બદલ ૧૧ સંચાલકોને નોટિસ આપી રૂ. ૧૪,૫૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મચ્છરજન્ય રોગો પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે જનજાગૃતિ અને સમયસરની માહિતી ખૂબ જ જરૂરી છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા તમામ મેડિકલ એસોસિએશનો અને તબીબી સંસ્થાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કેસોની સમયસર વિગતો મળશે તો જે-તે વિસ્તારમાં ત્વરિત ફોગિંગ અને દવાનો છંટકાવ કરી શકાશે. આગામી દિવસોમાં પણ મનપા દ્વારા શહેરના બાકી રહેતા વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
