તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 3rd July 2026
ડીસાના શેરપુરા ગામમાં જાટ સમાજમાં સગાઈ તોડવાના મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી
બંને પક્ષોએ લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો

બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં જાટ સમાજમાં સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર વિવાદ શેરપુરા ગામમાં રહેતા જાટ સમાજના એક પરિવારમાં થયેલી સગાઈ તોડવાને લઈને શરૂ થયો હતો. સગાઈ કેમ તોડી અથવા કયા કારણોસર સંબંધ આગળ ન વધાર્યો, તે બાબતને લઈને બંને પક્ષના મોભીઓ અને યુવાનો સામસામે એકઠા થયા હતા.
શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી અને વાતચીતથી મામલો ઉકેલાવાના બદલે વધારે બગડ્યો હતો. બંને પક્ષના લોકોએ સંયમ ગુમાવ્યો હતો અને ઘરોમાંથી લાકડીઓ તેમજ લાકડાના ધોકા કાઢીને એકબીજા પર તૂટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ મથકનો કાફલો પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક શેરપુરા ગામે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ હુમલા અંગે બંને પક્ષોની રજૂઆતો અને તબીબી રિપોર્ટના આધારે ડીસા તાલુકા પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ હિંસામાં સામેલ મુખ્ય આરોપીઓની અટકાયત કરવા અને હુમલાના પુરાવા એકત્રિત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
