તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પાટણ જિલ્લા પંચાયતમાં 'ભૂતિયા ચોકીદાર'નું ચોંકાવનારું કૌભાંડ :રાજકોટની 'રામ સિક્યોરિટી એજન્સી' સામે પોલીસ ફરિયાદ
ભૂતિયા (બોગસ) ચોકીદારો બતાવીને લાખો રૂપિયાનો પગાર બારોબાર હડપ કરી જવાનો ગંભીર આરોપ :ત્રણ મહિના સુધી ચાલેલા મસમોટા ખેલનો પર્દાફાશ થયો

પાટણ જિલ્લા પંચાયતમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં સિક્યોરિટી પૂરી પાડતી રાજકોટની 'રામ સિક્યોરિટી એજન્સી' પર ભૂતિયા (બોગસ) ચોકીદારો બતાવીને લાખો રૂપિયાનો પગાર બારોબાર હડપ કરી જવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ત્રણ મહિના સુધી ચાલેલા આ મસમોટા ખેલનો આખરે પર્દાફાશ થયો છે અને આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ કૌભાંડની શરૂઆત ટેન્ડર પ્રક્રિયાથી જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એજન્સી દ્વારા નિયમ મુજબ ટેન્ડરમાં ભરવાપાત્ર ₹91,000ની ડિપોઝીટ પણ જમા કરાવવામાં આવી નહોતી. આમ છતાં, GEM (ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ મારફતે આ એજન્સીને સીધો જ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના નિવાસસ્થાને ફરજ બજાવતા ચોકીદારો માટેનો મહત્વનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, જે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે.
કોન્ટ્રાક્ટ મળ્યા બાદ રામ સિક્યોરિટી એજન્સી દ્વારા દર મહિને કુલ 9 ચોકીદારોની હાજરી પૂરીને તેનું બિલ પાસ કરાવવા માટે મુકવામાં આવતું હતું. પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ 9માંથી 3 ચોકીદારો માત્ર કાગળ પર જ હતા, એટલે કે તેઓ ક્યારેય ફરજ પર આવ્યા જ નહોતા. આ ત્રણ ભૂતિયા ચોકીદારોના નામે એજન્સીએ સતત ત્રણ મહિના સુધી બારોબાર પગાર ઉપાડીને પોતાના ખિસ્સા ભર્યા હતા અને સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવ્યો હતો.
એજન્સીની જોહુકમી એટલેથી જ નહોતી અટકી. જે સિક્યોરિટી ગાર્ડ ખરેખર ત્યાં રાત-દિવસ પ્રામાણિકતાથી ફરજ બજાવી રહ્યા હતા, તેમના પગારમાંથી પણ કમિશન ખોરી કરવામાં આવતી હતી. એજન્સી દ્વારા આ સાચા ચોકીદારોના પગારમાંથી દર મહિને ₹4,000 કમિશન પેટે પરત માગવામાં આવતા હતા. આ રકમ વસૂલવા માટે ચોકીદારોને વોટ્સએપ પર QR કોડ મોકલવામાં આવતો હતો અને તેના પર ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી.
આખરે ત્રણ મહિના સુધી ચાલેલો આ આખો ખેલ પકડાઈ ગયો છે અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે. પાટણ જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક દ્વારા બે દિવસ પહેલાં આ મામલે સજાગતા દાખવીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એજન્સી વિરુદ્ધ છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરી દીધી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
