તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સરકારી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોની અછતઃ ચિંતાજનક સ્થિતિની અધ્યાપક મંડળની રજુઆત
સરકાર યોગ્ય કાર્યવાહી ન કરે તો આંદોલન : અસંતુલિત વ્યવસ્થાના કારણે શિક્ષણમાં મુશ્કેલીઃ

રાજકોટ તા.૧૭: ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સમક્ષ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં સ્ટુડન્ટ સીટસ રીસ્ટ્રકચરીંગ બાદ વધેલા કાર્યભાર મુજબ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફની તાત્કાલિક ફાળવણી કરવા આગ્રહપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
મંડળે જણાવ્યું છે કે આ વર્ષે એડમિશન પ્રક્રિયાના બીજા રાઉન્ડમાં સરકારી ઇજનેરી કોલેજોમાં તમામ બ્રાંચ માં વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા સીટો ભરાઈ ગઈ છે જે દર્શાવે છે કે સરકારી ઇજનેરી શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ તથા વાલીઓનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પંરતુ મંડળ દ્વારા જરૂરી શૈક્ષણિક માળખું, સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સંસાધનોની પૂરતી વ્યવસ્થા કરવાની છેલ્લા ૪ વર્ષ થી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં હજુ સુધી તમામ વ્યવસ્થા થઈ નથી. મંડળના જણાવ્યા મુજબ હાલ કેટલીક સરકારી ઇજનેરી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે પરંતુ સંબંધિત વિદ્યાશાખાના અધ્યાપકોની અછત છે, જ્યારે કેટલીક અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થી પ્રવેશ ઓછો હોવા છતાં સ્ટાફનું પ્રમાણ વધારે છે. આ અસંતુલનને કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં મુશ્કેલી પડે છે અને સરકાર પર પણ અનાવશ્યક નાણાકીય બોજ વધે છે.
રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે Robotics and Automation, AIML, Data Science, ICT અને E&I જેવી નવી વિદ્યાશાખાઓ શરૂ થયાને વર્ષો વીતી ગયા હોવા છતાં ઘણી જગ્યાએ આ ક્ષેત્રના નિષ્ણાત અધ્યાપકો તથા જરૂરી બિનશૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ નથી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓએ વિષય નિષ્ણાતોની પૂરતી ઉપલબ્ધિ વગર અભ્યાસ પૂર્ણ કરવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
મંડળે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ટીચીંગ સ્ટાફની ખાલી જગ્યાઓ પણ ગંભીર હોવાનું દર્શાવ્યું છે. અનેક GECsમાં અધ્યાપકોની આશરે ૩૦થી ૩૫ ટકા જગ્યાઓ ખાલી છે, જ્યારે નવા કોર્સ અને વધારેલા ઇન્ટેકને અનુરૂપ વધારાના મહેકમની જરૂરિયાત અલગથી ઉભી થઈ છે.
બિનશૈક્ષણિક વ્યવસ્થા અંગે સ્થિતિ વધુ ચિંતાજનક હોવાનું મંડળે જણાવ્યું છે. લેબોરેટરી, હિસાબી શાખા, હોસ્ટેલ, સ્ટોર, વર્કશોપ અને વિદ્યાર્થી વિભાગ જેવી આવશ્યક સેવાઓ માટે જરૂરી વર્ગ-૩ કર્મચારીઓની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે. રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજોમાં કુલ ૪૭૮ મંજુર જગ્યાઓ સામે માત્ર ૧૬૮ જગ્યાઓ ભરેલી છે અને ૩૧૦ જગ્યાઓ ખાલી છે, એટલે આશરે ૬૮ ટકા જેટલી ખાલી જગ્યાઓનો બોજ સંસ્થાઓ ઉઠાવી રહી છે.
મંડળે રાજ્ય સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ટીચીંગ સ્ટાફનું તાત્કાલિક રીસ્ટ્રકચરીંગ કરવામાં આવે. જ્યાં વિદ્યાર્થી બેઠકોમાં વધારો કરાયો છે અથવા નવા કોર્સ શરૂ કરાયા છે ત્યાં રીવાઇઝડ એકેડેમિક લોડ મુજબ જરૂરી ટીચીંગ તથા નોન ટીચીંગ સ્ટાફની તાત્કાલિક ફાળવણી કરવામાં આવે. વર્ષોથી પડતર રહેલી વિનંતીથી બદલીની અરજીઓનો સત્વરે નિકાલ કરી માનવબળ સંતુલિત વિતરણ કરવામાં આવે. જો વિધાર્થીઓના હિતમાં આ માંગણીઓનો હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો મંડળ ઉગ્ર આંદોલન સુધીના કાર્યક્રમો આપી શકે તેમ જણાવાયું છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
