<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ખાડી યુદ્ધની આડઅસર ગુજરાતમાં દેખાઈ: ડાંગ જિલ્લામાં બિટુમિન, સ્ટીલ-ડીઝલના ભાવ વધતા કોન્ટ્રાક્ટરો મેદાનમાં

બાંધકામ સામગ્રીના ભાવોમાં થયેલા અચાનક અને તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક રાહત આપવાની માંગણી


ગુજરાતના ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે,જેમાં હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને ખાડી યુદ્ધના પ્રભાવને કારણે બાંધકામ સામગ્રીના ભાવોમાં થયેલા અચાનક અને તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક રાહત આપવાની માંગણી કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટરો પર વધતા ભાવોનો પગલે ગંભીર અસર પડી છે. ડાંગ જિલ્લા કોન્ટ્રાકટર એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરોના આધારે કોન્ટ્રાક્ટરો રોડ, પુલ, ડેમ, કેનાલ, પાઇપલાઇન, ઇમારતો, એરપોર્ટ, હોસ્પિટલો તથા ઇલેક્ટ્રીકલ સુવિધાઓ જેવા અનેક વિકાસ કાર્યો કરી રહ્યાં છે.

ટેન્ડર ભરતી વખતે (S.O.R.) તેમજ તે સમયના બજાર ભાવ અને પરિવહન ખર્ચને આધારે અંદાજિત કિંમત નક્કી કરાઇ હતી પરંતુ હાલ ખાડી યુદ્ધના કારણે બિટુમિન, સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ, પેટ્રોલ, ક્રશર ધોળ, એગ્રીગેટ તેમજ ઇલેક્ટ્રીકલ સામગ્રીના ભાવોમાં ભારે વધારો નોંધાયો છે. આ સાથે પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે અગાઉ કરાયેલી તમામ આર્થિક ગણતરીઓ ખોટી પડી રહી છે અને કોન્ટ્રાક્ટરોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

એસો.એ વધુમાં જણાવ્યું છે કે આ પરિસ્થિતિ માત્ર કોન્ટ્રાક્ટરો પૂરતી મર્યાદિત નથી પરંતુ લાખો મજૂરોની રોજગારી અને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. જો આ બાબતે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો વિકાસ કાર્યોની ગતિ ધીમી પડી શકે છે.

એસો. દ્વારા મુખ્ય માંગણીઓ કરતા જણાવ્યું હતું કે અચાનક થયેલા ભાવ વધારાને પહોંચી વળવા માટે વિશેષ નાણાંકીય સહાય અથવા વળતર પેકેજ જાહેર કરવામાં આવે, બાંધકામ સામગ્રીના વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વાસ્તવિક બજારભાવ મુજબ એસ્કલેશન અને બિલિંગની સુવિધા આપવામાં આવે, ચાલુ કામોમાં કોઈપણ પ્રકારની પેનલ્ટી વગર સમયમર્યાદામાં યોગ્ય વધારો આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

 

(11:42 AM IST)