તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
સફરજન, જામફળ, ચીકુ તથા તરબૂચના ભાવમાં નોંધપાત્ર વધારો
ચીકુમાં રૂા.૬૦ અને સફરજનમાં રૂા.૫૦નો વધારો...નોરતાના દિવસોમા ફ્રૂટે ઉપવાસ કરતા લોકોનું બજેટ ખોરવી નાંખ્યું : ફળની ખેતી કરતા ખેડૂતો જોઈએ એટલો પાક ઊતારી શક્યા નથી : તહેવારનો દિવસોમાં માગમાં વધારો થાય છે પણ આ વખતે સ્ટોક લિમિટેડ હોવાથી ભાવ વધારે છે

અમદાવાદ તા.૧૯: નોરતામાં ઉપવાસ કરતા લોકોમાં ફ્રૂટની ડિમાન્ડ રહેતી હોય છે. આ વર્ષે માર્કેટમાં ફ્રૂટનો સ્ટોક લિમિટેડ હોવાનું જાણવા મળ્યું છે. નોરતા પહેલા સફરજન, જામફળ, ચીકુ તથા તરબૂચના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ કારણે નોરતાના દિવસોમા ફ્રૂટે ઉપવાસ કરતા લોકોનું બજેટ ખોરવી નાંખ્યું હતું. ચીકુના ભાવમાં કિલોએ રૂા.૬૦નો વધારો થયો છે. ચીકુનો નવો ભાવ રૂા.૧૩૦થી રૂા.૧૫૦ આસપાસ પહોંચ્યા છે. જ્યારે સફરજનના ભાવમાં રૂા.૫૦ નો વધારો થયો છે. સફરજનનો નવો ભાવ રૂા.૧૮૦થી રૂા.૨૦૦ આસપાસ પહોંચ્યા છે. જ્યારે કાશ્મીરી સફરજનનો ભાવ રૂા.૧૪૦થી રૂા.૧૫૦ સુધી પહોંચ્યો છે.
નરોડા ફ્રૂટ બજારના વેપારીઓ કહે છે કે, ફ્રૂટની આવક ઘટી છે. ૧૫થી ૩૦ ટકાનો ઘટાડો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઘટ વધારે છે. બીજી તરફ સતત પડી રહેલી ઉનાળા જેવી ગરમીના કારણે ફ્રૂટ લાંબા સમય સુધી રહેતું નથી. બગડી જાય છે. આ કારણે વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડે છે. સ્ટોક વધારે પડતો કરી શકાય એમ નથી. નોરતામાં ઉપવાસ કરતા લોકો ફળાહારને પ્રાથમિકતા આપતા હોય છે. આ વર્ષે ઉપવાસ કરનારા લોકોનું ગણિત ભાવ વધારાએ બગાડી નાખ્યું છે.
બીજી તરફ ઉનાળા બાદ પણ તહેવારોમાં તરબૂચની માગમાં વધારો થયો છે. તરબૂચનો સ્ટોક પૂરતો ન હોવાથી માર્કેટમાં એના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ફ્રૂટની ગાડી નિયમિત ધોરણે આવે છે પણ સ્ટોક ઓછો મળી રહ્યો છે. આવી સ્થિતિ ચીકુ, જામફળ, સફરજર અને તરબૂચમાં વધારે છે. બીજી તરફ વાતાવરણની પણ અસર છે. ફળની ખેતી કરતા ખેડૂતો જોઈએ એટલો પાક ઊતારી શક્યા નથી. તહેવારનો દિવસોમાં માગમાં વધારો થાય છે પણ આ વખતે સ્ટોક લિમિટેડ હોવાથી ભાવ વધારે છે.
ગત વર્ષે નોરતાના સમયમાં જ સફરજનની ૩૦થી ૩૫ ગાડીઓ આવતી હતી. હાલમાં માત્ર ૧૫ ટ્રક જ આવી રહ્યા છે. આવા ટ્રકમાંથી પણ જ્યારે ફળ બગડેલું આવે છે એ ઉપયોગમાં લઈ શકાતું નથી. એ ડાયરેક ફેંકવાનું જ રહે છે. બીજી તરફ સતત ગરમીના કારણે પરિવહનમાં પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. રીટેલ માર્કેટમાં સ્ટોક લિમિટેડ છે જ્યારે જથ્થાબંધ માર્કેટમાં વધારે ભાવ ચૂકવવા પડે છે. આ માટે જે તે રીટેલ વેપારીઓ પાસેથી ફ્રૂટ લેવું મોંઘુ પડી રહ્યું છે.
આગામી સીઝન તો શિયાળાની છે એટલે ફ્રૂટમાં પણ એ દેખાશે. શિયાળુ શાકભાજી પણ આ વખતે મોડા છે. સામાન્ય રીતે નોરતા પૂરા થવામાં હોય ત્યારે શિયાળુ ભાજી આવતી થાય છે શિયાળાની શરૂઆતનું શાક ભાજી ગણાય છે. આ વખતે શિયાળુ ભાજી અને લીલાચણા પણ મોડા છે. આ પાક આવતા હજું એકાદ બે મહિના જેવું થશે. દિવાળી બાદ તેની આવક શરૂ થાય એવા એંધાણ છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
