<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછા વરસાદથી વિકટ પરિસ્થિતિ : AAP ધારાસભ્ય હેમંત ખવાએ અછતગ્રસ્ત તાલુકાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી

સેટેલાઇટથી વાવેતર દેખાય છે તો સુકાયેલો પાક કેમ નહીં? ઓનલાઇન સિસ્ટમ પર સવાલ ઉઠાવી દુષ્કાળ મેન્યુઅલ મુજબ ખેડૂતો, પશુપાલકો અને મજૂરોને સહાય આપવા વિધાનસભામાં અવાજ ઉઠાવવાની જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વચ્ચે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિને લઈને સરકાર સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. હેમંતભાઈએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જેના પરિણામે આ વિસ્તારોના ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.

સરકારની ઓનલાઈન પાક નોંધણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા હેમંત ખવાએ ઉમેર્યું હતું કે જ્યારે ખેડૂત ખેતરમાં પાકનું વાવેતર કરે છે ત્યારે સરકારને સેટેલાઇટના માધ્યમથી ખેતરમાં વાવેલા પાકની સચોટ માહિતી મળી જાય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક સુકાઈ ગયો હોવા છતાં સરકારના ધ્યાને આ ગંભીર સ્થિતિ કેમ આવતી નથી તેવો વેધક પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો છે.

આ વિકટ સ્થિતિને અનુલક્ષીને ધારાસભ્યે સત્તાવાર માંગ કરી છે કે જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે તે તમામ તાલુકાઓને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ સાથે જ દુષ્કાળ મેન્યુઅલના નિયમો મુજબ ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોને મળવાપાત્ર તમામ પ્રકારના લાભો અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે.

વિધાનસભાના સત્ર દરમિયાન ખેડૂતોની આ વિષમ સમસ્યાને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવવાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારે વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને જરૂરી સહાય પહોંચાડવી જોઈએ અને ખેડૂતોને વર્તમાન સંકટમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જોઈએ.

(1:43 PM IST)