<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

SLBC ગુજરાત અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને ડિજિટલ માધ્‍યમો વાપરવા અનુરોધ

૨૮ થી ૩૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન બેન્‍ક હડતાળને પગલે નાણાકીય કામગીરી ખોરવાવાની શક્‍યતા હડતાળ દરમિયાન અસુવિધાથી બચવા ચેક ક્‍લિયરિંગ સહિતના મહત્‍વપૂર્ણ કામો ૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં આટોપી લેવા અને નાણાકીય લેવડ-દેવડ માટે UPI, ઇન્‍ટરનેટ બેન્‍કિંગ તથા ATપ્નો ઉપયોગ કરવા જાહેર સૂચના

અમદાવાદ તા.૨૪: યુનાઇટેડ ફોરમ ઓફ બેન્‍ક યુનિયન્‍સ (UFBU) દ્વારા તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ સંભવિત રાષ્ટ્રવ્‍યાપી બેન્‍ક હડતાળનું આહ્વાન કરવામાં આવ્‍યું છે. સતત ત્રણ દિવસ સુધી બેન્‍કોની શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત સેવાઓ પ્રભાવિત થવાની પૂર્ણ સંભાવનાને ધ્‍યાનમાં રાખીને ગુજરાત રાજ્‍ય સ્‍તરીય બેન્‍કર્સ સમિતિ (SLBC  ગુજરાત) અને તેના સંયોજક બેન્‍ક ઓફ બરોડા દ્વારા તમામ બેન્‍ક ગ્રાહકો માટે એક મહત્‍વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

હડતાળના કારણે ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી થાય તે હેતુથી તમામ બેન્‍કો દ્વારા જરૂરી વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી રહી છે. છતાં પણ, નાગરિકોની નાણાકીય લેવડ-દેવડ સરળતાથી થઈ શકે તે માટે SLBC  ગુજરાત દ્વારા કેટલીક ખાસ માર્ગદર્શિકા અને સૂચનો જાહેર કરવામાં આવ્‍યા છે.

ગ્રાહકો માટે મહત્‍વપૂર્ણ સૂચનો

તમામ મહત્‍વપૂર્ણ બેન્‍કિંગ તેમજ ચેક ક્‍લિયરિંગ સંબંધિત કામકાજ તા. ૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં પૂર્ણ કરી લેવા.

આગામી દિવસોની રોકડ જરૂરિયાતનું અગાઉથી આયોજન કરવું અને જરૂરિયાત મુજબ ATM અથવા કેશ રિસાયકલર મશીન (CRM) નો ઉપયોગ કરવો.

બેન્‍ક શાખાની પ્રત્‍યક્ષ મુલાકાત લીધા વિના વ્‍યવહારો પૂરા કરવા માટે ઇન્‍ટરનેટ બેન્‍કિંગ, મોબાઇલ બેન્‍કિંગ, UPI અને ATM જેવા ડિજિટલ માધ્‍યમોનો મહત્તમ ઉપયોગ કરવો.

SLBC ગુજરાત અને બેન્‍ક ઓફ બરોડા દ્વારા તમામ ગ્રાહકોને ડિજિટલ સેવાઓનો લાભ લઈને પોતાની નાણાકીય જરૂરિયાતો સુચારુ રીતે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(4:01 PM IST)