તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
SMC ના પીઆઈ એસ. એમ. જાડેજાની ટીમનો મુંદ્રા હાઇવે પર સપાટો : બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતૂસ સાથે આરોપી રમેશ ગઢવી અને કિશન સલાનીની ધરપકડ : જૂઓ વિડીયો
નાના કોપાયા ગામ અદાણી બાયપાસ રોડ પરથી ૩.૦૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : હથિયાર સપ્લાય કરનાર રાજસ્થાનના વોન્ટેડ આરોપી ધનરાજ ચૌધરીને ઝડપી લેવા ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ ચક્રમાન ગતિમાન કર્યા

રાજકોટ : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે એક મોટી સફળતા હાસલ કરી છે. એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે મુંદ્રા તાલુકાના નાના કોપાયા ગામ વિસ્તારમાં અદાણી બાયપાસ હાઇવે રોડ પર એક દરોડો પાડ્યો હતો. આ આર્મ્સ એક્ટ રેઇડ દરમિયાન પોલીસે દેશી-વિદેશી હથિયારોના મોટા જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડીને ગેરકાયદેસર હથિયારના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સફળ ઓપરેશનને પગલે પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ બેડા સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, એસએમસીની ટીમે અદાણી બાયપાસ રોડ પરથી બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (૧) રમેશ રામભાઈ ગઢવી (રહેવાસી: મકાન નંબર ૧૭૧, સદગુરુ સ્માર્ટ વિલા, ઉમિયા નગર પાછળ, મુંદ્રા, કચ્છ) અને (૨) કિશન હરજીભાઈ સલાની (રહેવાસી: સરકારી છોકરાઓની હોસ્ટેલ, પોર્ટ કોલોની, મુંદ્રા) નો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓની અટકાયત કરીને હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) ની કલમ ૨૫(૧-બી), (એ), ૨૯ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડા દરમિયાન પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ભયાનક ગણાતી ૯ એમએમની ૨ નંગ પિસ્તોલ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦, ૨ નંગ વધારાની મેગેઝીન, પિસ્તોલમાં વપરાતા ૯ એમએમના ૧૪ નંગ જીવતા કારતૂસ (રાઉન્ડ) કિંમત રૂપિયા ૨,૮૦૦, આરોપીઓ પાસેથી મળી આવેલા ૧,૦૫,૦૦૦ ની કિંમતના ૩ નંગ હાઇટેક મોબાઇલ ફોન તેમજ હથિયાર રાખવા માટે ઉપયોગમાં લેવાતું ૧ નંગ ખાખી બોક્સ મળીને કુલ રૂપિયા ૩,૦૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ગુનાની પ્રાથમિક તપાસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હથિયારોની આ હેરાફેરીમાં મુખ્ય કડી સમાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ ગામના રહેવાસી ધનરાજ રામા ચૌધરી (પિતાનું નામ: હનુમાન રામ ચૌધરી) ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસની અલગ અલગ ટીમો આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
