<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

બનાસકાંઠાના ધાનેરા નજીક એસએમસીના પીએસઆઈ કે.એચ.ઝંકાતનો સપાટો : સ્કોર્પિયો ગાડીમાંથી રૂા.૧૨.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ચાલક આશુખાન સુમરાની ધરપકડ : જુઓ વિડીયો

ધાનેરા-સાંચોર હાઇવે પરથી કુલ રૂા.૨૨.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત : થરાદનો મુખ્ય બુટલેગર હિતેશ મહારાજ ઉર્ફે બાપજી, ગાડીનો માલિક અને રાધનપુરનો ખરીદનાર સહિત ચાર શખ્સો વોન્ટેડ જાહેર

 ધાનેરા:  બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પ્રોહિબિશન અંગે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.ઝંકાત અને તેમની ટીમે આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ બાતમીના આધારે ધાનેરા-સાંચોર હાઇવે રોડ પર આવેલા થાવર ગામના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને આંતરી હતી. આ પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ ટીમે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની કુલ ૩,૫૭૬ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂા.૧૨,૩૩,૧૨૮/- જેટલી થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ગાડીના ચાલક આશુખાન જલાલખાન મોઈલા સુમરા (રહે. આડેતર, સાંચોર, રાજસ્થાન) ને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલો આરોપી સ્કોર્પિયો ગાડીનો ડ્રાઇવર છે અને આ કેસના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે બાપજીનો માણસ છે. પોલીસે ઘટનાસ્થળેથી રૂા.૧૨,૩૩,૧૨૮/- ની કિંમતનો દારૂ, રૂા.૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની એક સ્કોર્પિયો ગાડી (નંબર GJ-01-WD-4299) અને રૂા.૫,૦૦૦/- ની કિંમતનો ૧ મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૨૨,૩૮,૧૨૮/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ દારૂના નેટવર્ક અંગેની તપાસમાં અન્ય ચાર મોટા માથાઓના નામ સામે આવ્યા છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં મુખ્ય આરોપી તરીકે દારૂનો મોટો જથ્થો પૂરો પાડનાર હિતેશ મહારાજ ઉર્ફે બાપજી ઉર્ફે મહેશ (સારણ) (રહે. થરાદ, બનાસકાંઠા) અને સાંચોરથી દારૂની ગાડી ભરી આપનાર હિતેશ ઉર્ફે બાપજીનો અજાણ્યો સાગરીત (હેલ્પર) સામેલ છે. આ ઉપરાંત આ દારૂનો જથ્થો મંગાવનાર રાધનપુરનો એક અજાણ્યો શખ્સ અને સ્કોર્પિયો ગાડીનો મૂળ માલિક પણ નાસી છૂટ્યા હોવાથી વહીવટી ચોપડે વોન્ટેડ બતાવાયા છે.

આ સમગ્ર ગેરકાયદેસર કાળા કારોબાર બદલ ધાનેરા પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૧(૩) અને ૧૧૧(૪) મુજબ ગુનો નોંધીને એસએમસીના પીએસઆઈ કે.એચ.ઝંકાતની સૂચનાથી આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:56 AM IST)