તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 28th September 2026
સોશિયલ મીડિયા ફેમ ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને સહાયનો ધોધ વહ્યો :રૂ 3.50 કરોડની માતબર રકમ પ્રાપ્ત થઇ
ચંદન રાઠોડ પરિવારને ₹2.96 કરોડ ઓનલાઇન અને ₹53.71 લાખ રોકડ સ્વરૂપે મળ્યા:સંપૂર્ણ રકમ પરિવારના સભ્યોના નામે ફિક્સ ડિપોઝિટ (FD) અને જમીન ખરીદીમાં સુરક્ષિત રખાશે.

સોશિયલ મીડિયા પર પોતાની આગવી દેશી શૈલીથી લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનારા લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ગુજ્જુ લવ ગુરુ (Gujju Love Guru) ના નિધન બાદ તેમના પરિવારની વહારે સમગ્ર ગુજરાત ઊભું રહ્યું છે. મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા આ ગરીબ પરિવારને આર્થિક રીતે પગભર કરવા માટે શરૂ કરવામાં આવેલી લોકભાગીદારી ઝુંબેશમાં અપેક્ષા કરતાં પણ વધુ સહાય એકત્રિત થઈ છે. ગુજરાતીઓએ ઉદાર હાથે દાન આપીને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સંકટના સમયે સમાજના છેવાડાના માનવી માટે આખો સમાજ એક પરિવાર બનીને પડખે ઊભો રહે છે.
પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી અનુસાર, ગુજ્જુ લવ ગુરુના પરિવારને વિવિધ માધ્યમો થકી કુલ ₹3.50 કરોડની સહાય મળી ચૂકી છે. આ ભંડોળમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને બેંક ટ્રાન્સફર મારફતે ઓનલાઇન ₹2.96 કરોડનું દાન જમા થયું છે. આ ઉપરાંત, રૂબરૂ મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરનારા સ્નેહીઓ અને દાતાઓ દ્વારા ₹53.71 લાખની રકમ રોકડ સ્વરૂપે પરિવારને સોંપવામાં આવી છે. આટલી મોટી રકમ એકઠી થતાં પરિવારના તમામ સભ્યોનું આર્થિક ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત બની ગયું છે.
મળેલી આ સહાયનો ભવિષ્યમાં કોઈ દુરુપયોગ ન થાય અને સમગ્ર પરિવારનું જીવન ધોરણ સુચારુ રીતે ચાલે તે હેતુથી વડીલો અને આગેવાનો દ્વારા એક સુરક્ષિત નાણાકીય આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. તે મુજબ સહાયની રકમ પરિવારના તમામ સભ્યોના નામે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી (FD) કરવામાં આવશે. પિતાના વૃદ્ધાવસ્થાના જીવનનિર્વાહ અને આરોગ્યની સુરક્ષા માટે ₹40 લાખની એફડી (FD) કરવામાં આવશે.
પરિવારની ભાવિ જવાબદારી સંભાળવા અને કારકિર્દીના નિર્માણ માટે નાના ભાઈના નામે ₹1.00 કરોડની ફિક્સ ડિપોઝિટ રખાશે.ગુજ્જુ લવ ગુરુના ધર્મપત્નીના આત્મનિર્ભર ભવિષ્ય માટે ₹41 લાખની એફડી કરવામાં આવશે. બંને માસૂમ બાળકોના ઉચ્ચ શિક્ષણ, પાલન-પોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કુલ ₹82 લાખ (બંનેના નામે) ફિક્સ ડિપોઝિટ પેટે સુરક્ષિત કરાશે.બંને બહેનોના સામાજિક પ્રસંગો અને સુરક્ષા માટે ₹22 લાખની એફડી કરવામાં આવશે.
રોકડ અને બચત સિવાય પરિવાર પાસે એક કાયમી અસ્ક્યામત ઊભી થાય તે માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. એકત્રિત થયેલી રકમમાંથી ₹53 લાખના ખર્ચે ગુજ્જુ લવ ગુરુના દીકરાના નામે ખેતીની જમીન ખરીદવામાં આવશે. આ જમીન પરિવાર માટે કાયમી આવક અને સ્થાવર મિલકતનો મોટો સ્ત્રોત બનશે.
ગુજરાતના લોકોએ જે રીતે ખુલ્લા હાથે મદદનો પ્રવાહ વહાવ્યો છે તે સમગ્ર દેશ માટે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. કોઈપણ જાતપાત કે ભેદભાવ વગર એક સામાન્ય કલાકારના પરિવારને આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જે એકતા દાખવવામાં આવી છે, તેનાથી સાબિત થાય છે કે ગુજરાતની ધરા પર માનવતા અને સંવેદના હંમેશા જીવંત રહે છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
