<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે સુરતના પુણા પોલીસ મથકમાં નોંધાયો ગુનો

​પોલીસ સ્ટેશનની બહાર કીર્તિ પટેલે મચાવ્યો હોબાળો, બદનક્ષીકારક વીડિયો અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપસર ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ

​સુરત: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને વીડિયોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી અને અવારનવાર વિવાદોમાં સપડાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. આ વખતે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ મથક પરિસરમાં મચેલા હોબાળાએ ભારે ચકચાર જગાવી છે.

​શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ તથા વેપારી રાજુ ભમ્મરે પુણા પોલીસ સ્ટેશનમાં સંયુક્ત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રાજુ ભમ્મરના જણાવ્યા મુજબ, તેઓ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે લગભગ ૨૧ મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. આ સંબંધનો અંત આવ્યા બાદ નયના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવારને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

​ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૫ જૂન, ૨૦૨૬ના રોજ કીર્તિ પટેલે ફરિયાદીને વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની, જે ગામના સરપંચ છે, તેમના વિશે અત્યંત અભદ્ર અને ખોટા આક્ષેપો કર્યા હતા. કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો અપલોડ કરી બદનક્ષી કરવા સાથે ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

​પોલીસ સ્ટેશનની બહાર બરાડા પાડ્યા

ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે આક્રમક અંદાજમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે પોલીસ સ્ટેશનની બહાર જાહેરમાં બૂમો પાડતી અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતી જોવા મળી હતી. તેણે ફરિયાદીને જાહેરમાં પડકાર ફેંક્યો હતો અને પોતાના પર થયેલા તમામ કેસોને ખોટા ગણાવી સામી બદનક્ષીના દાવાની ચીમકી પણ આપી હતી.

​પોલીસે કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો?

પુણા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪(આઈ) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર કેસની તપાસની જવાબદારી પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. કીર્તિ પટેલના ભૂતકાળને જોતા, આ ફરિયાદ બાદ આગામી દિવસોમાં પોલીસ કયા પ્રકારનાં પગલાં લે છે તે જોવું રહ્યું.

(3:54 PM IST)