News of Friday, 3rd July 2026
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં “સામાજિક જનસમર્થન સભા” માં લાખોનું માનવ મહેરામણ ઉમટ્યું
AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો:આદિવાસી સમાજ સહિત તમામ સમાજના 1 લાખ લોકોએ એક થઈને ભાજપને પડકાર ફેંક્યો: ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન આપવા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો અને આગેવાનો હાજર રહ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિતના ને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેના વિરોધમાં તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત આમ આદમી પાર્ટીના નેતા તથા આદિવાસી સમાજના આગેવાન દયારામ વસાવા, બાબુભાઈ ડામોર, રાકેશ બારીયા અને નરેશ બારીયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સાથે સાથે સમસ્ત સમાજના લોકો મળીને કુલ 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ “સામાજિક જનસમર્થન સભા”માં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ લઈને નીકળેલા ચૈતરભાઈ વસાવાને ત્રણ વખત જેલમાં નાંખવામાં આવ્યા, માટે હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે. આજે અહીંયા ઉપસ્થિત થયેલા એક લાખ લોકોને જોઈને હું સમજી ગયો કે શા માટે ભાજપ આદિવાસી સમાજને જાગૃત થવા દેતું નથી. કારણ કે ભાજપને ખબર છે કે, એક ચૈતર વસાવા જાગૃત બનીને, ભણી ગણીને અને ધારાસભ્ય બનીને ભાજપની ઊંઘ હરામ કરી શકે છે તો જો આટલા એક લાખ યુવાનો ભણી ગણીને આગળ વધે તો 100% તેઓ ભાજપના મૂળિયા ઉખાડી નાખે એમ છે. મેં ગઈકાલે જ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનને કહ્યું હતું કે તમારા પર જે જવાબદારી આવી પડી છે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમ આદમી પાર્ટીના એક એક નેતાઓ અને કાર્યકર્તાઓ તમારા માટે ભાઈ બનીને ઉભા છે. ચૈતરભાઈનો ગુનો શું હતો? એમનો ગુનો એ હતો કે એમણે જળ, જંગલ અને જમીન મુદ્દે સરકાર સામે બાથ ભીડી. જ્યાં સુધી ચૈતરભાઈ છે ત્યાં સુધી કોઈ કંપનીઓની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે. આજે ભલે ચૈતરભાઈ જેલમાં હોય પરંતુ આજની સભાના ફોટા જયારે તેઓ જોશે ત્યારે તેમની છાતી ગજગજ ફૂલશે. ચૈતરભાઈ એકલા નથી આખી ટાઈગરની સેના સાથે છે, અને હું ખાતરી આપું છું કે ચૈતરભાઈને વધારે સમય સુધી જેલમાં રહેવા દઈશું નહીં. ગુજરાતમાં આટલું ડ્રગ્સ વેચાય છે પરંતુ વેચનારાઓની સજા થતી નથી, મેં સાંભળ્યું છે કે ભાજપના એક નેતાએ વનકર્મીને બેટે ને બેટે માર માર્યો હતો. છતાં પણ તેમને સજા થઈ નથી. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે એટલા માટે તેમને દબાવવાની કોશિશો થઈ રહી છે.
આ સભા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આ દુઃખનો સમય છે અને આ સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકો સમર્થન આપવા માટે આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું, આવી જ રીતે આપ તમામ લોકો સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. બીજી એક મહત્વપૂર્ણ બાબત કે હમણાં સમાચાર મળ્યા કે જે 18 દિવસનું બાળક હતું, એ દસ દિવસ હવે જેલમાં રહીને આવ્યું છે, કારણ કે એ બાળકના માતાને જામીન મળ્યા છે. આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય લોકોને પણ બહાર લાવવાના છે. જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડત ચાલુ રાખવાની છે.
જનમેદનીને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ખુશખબરી આપતા જણાવ્યું હતું કે, હું આપ સૌને એક ખુશખબર આપવા માંગુ છું. આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો, તેની સામે આજે એક બહુ મોટા સમાચાર આવ્યા છે કે, ૧૫ દિવસના માસૂમ બાળક સાથે જેલમાં બંધ શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે! આપણી દીકરી ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવવાની છે. આ જીત બદલ આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
