<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાનમાં એસઓજી ટોપ ગિયરમાં : ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ અતુલ સોનરાની ટીમે અડાજણમાંથી રત્નકલાકાર રવિરાજ મારવણીયાને હાઈબ્રીડ ગાંજા સાથે દબોચ્યો : જુઓ વિડીયો

સરકસ રોડ પર શિલાલેખ એપાર્ટમેન્ટ સામેથી ચોક્કસ બાતમીના આધારે ૩૫ વર્ષીય રવિરાજ મનસુખભાઈ મારવણીયા પાસેથી રૂપિયા ૧૭,૩૯,૫૦૦ ની કિંમતનો ૪૯૭ ગ્રામ કેફી માદક પદાર્થ જપ્ત કરતી સુરત એસઓજી

રાજકોટ:સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અને અન્ય રાજ્યોમાંથી ચોરીછૂપીથી ડ્રગ્સ લાવીને યુવાધનને નશાના અંધકારમાં ધકેલતા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક હાથે કામગીરી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સખ્ત સૂચનાઓ આપવામાં આવી છે. આ “NO DRUGS IN SURAT CITY” અભિયાનને સફળ બનાવવા માટે નાયબ પોલીસ કમિશનર (ડીસીપી) એસ.ઓ.જી. રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ એસઓજીની ટીમો સતત વોચમાં હતી. જે અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનરાની દોરવણી હેઠળ ડ્રગ્સના દૂષણને ડામવા માટે અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારો મારફતે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

### બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં પોલીસની રેડ:
આ ખાસ ઝુંબેશ દરમિયાન એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી. આ બાતમી હકીકતના આધારે એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાં આવેલા સરકસ રોડ પર, શિલાલેખ એપાર્ટમેન્ટના ગેટની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો.

### લાખોની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત:
પોલીસે પકડેલા ઇસમની પૂછપરછ અને તપાસ કરતા તેનું નામ રવિરાજ મનસુખભાઈ મારવણીયા (ઉંમર વર્ષ ૩૫, ધંધો-રત્નકલાકાર, રહેવાસી-ફ્લેટ નં. એ-૬૦૪, બ્લુ કેન્ડલ, કોઝવે ચાર રસ્તા પાસે, ભરીમાતા રોડ, ચોકબજાર, સુરત શહેર અને મૂળ રહેવાસી-ગામ નાનડીયા, તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ટીમે આરોપીની ઝડતી લેતા તેની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચાતો ૪૯૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા ૧૭,૩૯,૫૦૦/- (સત્તર લાખ ઓગણચાળીસ હજાર પાંચસો) આંકવામાં આવી છે. એસઓજીએ આ તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરૂદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)II(એ), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

### વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન:
મજકુર પકડાયેલા આરોપી રવિરાજ મારવણીયાની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પોતે આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો એક વોન્ટેડ આરોપી પાસેથી લાવ્યો હતો અને બીજા એક વોન્ટેડ આરોપીને આપવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન જ એસઓજી પોલીસની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ અને સતત પ્રયત્નશીલ છે, ત્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:37 PM IST)