<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કેટલાક લોકો અન્ય વ્યક્તિને ટિકિટ કે હોદ્દો ન મળે તે માટે ચિઠ્ઠીઓ લખે છે: ધારાસભ્ય મુકેશ પટેલની પક્ષના આંતરિક વિવાદને લઈને મંચ પરથી ટકોર

બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ ન બનાવવા માટે પણ ચિઠ્ઠીઓ લખાઈ હોવાનો ઉલ્લેખ કરી તેમણે આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની સલાહ આપી

સુરત જિલ્લાના ઓલપાડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મંચ પરથી પક્ષના આંતરિક વિવાદને લઈને સૂચક ટકોર કરી હતી. તેમણે પક્ષમાં ટિકિટ અને હોદ્દા મેળવવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક લોકો દ્વારા કરવામાં આવતી કથિત ગતિવિધિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને કોઈ વ્યક્તિને હોદ્દો ન મળે તે માટે ચિઠ્ઠીઓ લખવાની પ્રવૃત્તિ સામે તેમણે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો.

 

ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો અન્ય વ્યક્તિને ટિકિટ કે હોદ્દો ન મળે તે માટે ચિઠ્ઠીઓ લખે છે. આવી પ્રવૃત્તિઓ પક્ષની અંદર ચાલતા મતભેદોને ઉજાગર કરે છે. તેમણે આ પ્રકારની માનસિકતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

 

 

મુકેશ પટેલે પોતાના સંબોધનમાં બ્રિજેશ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ ન બનાવવા માટે પણ ચિઠ્ઠીઓ લખવામાં આવી હતી. આ નિવેદનથી પક્ષની અંદર હોદ્દાની વહેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

 

 

ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. કોઈને આગળ વધતા રોકવાના પ્રયાસ કરવાને બદલે પોતે આગળ વધવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પોતાની લીટી ટૂંકી કરવાની માનસિકતા છોડવાની સલાહ આપી હતી. મુકેશભાઈ પટેલની આ ટકોરને પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક મતભેદો અને સંગઠનાત્મક ખેંચતાણના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

(10:16 PM IST)