તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
૧૧ ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે વિશેષ રજા આપવાની રહેશે : શ્રમ નિયામકની સ્પષ્ટતા
ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા સહિતની રાજ્યની ખાલી પડેલી ૭ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે નિર્ણય : કામદારોને ૩ કલાકની ખાસ રજા કે બદલી રજા આપવાની રહેશે વ્યવસ્થા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં આગામી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રવિવારના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે શ્રમ નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા અખબારી યાદી બહાર પાડીને મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા છે. લોકશાહીના આ પર્વમાં તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંબંધિત વિસ્તારોમાં નોંધાયેલી સંસ્થાઓએ કર્મચારીઓને મતદાન માટે વિશેષ રજા આપવાની રહેશે.
યાદીમાં જણાવ્યા મુજબ, રાજ્યની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તેમજ ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની ૧-૧ બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૧ બેઠક તથા પડધરી, સતલાસણા અને હારીજ તાલુકા પંચાયતની ૧-૧ બેઠક મળીને પ્રસંગોપાત ખાલી પડેલી કુલ ૭ બેઠકોની પેટાચૂંટણી ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.
આ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, ૨૦૧૯ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓના કામદારો અને કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ખાસ આયોજન કરવાનું રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે અથવા જો અઠવાડિક રજાનો દિવસ હોય તો સંસ્થા ચાલુ રાખીને તેના બદલામાં મતદાનના દિવસે અવેજી રજા આપવાની વ્યવસ્થા કરવાની રહેશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
