<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

‘ગતિ,ગુણવત્તા,ગૌરવ:માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે વિભાગ-સ્તરીય ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન : ત્રણ દિવસીય પાંચ મુખ્ય વિષયો પર અધિકારીઓ દ્વારા ચર્ચા અને વિચારવિમર્શ કરશે

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા. ૮ અને ૯ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે પ્રથમ વિભાગીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરની થીમ “ગતિ, ગુણવત્તા, ગૌરવ: વિકસિત ગુજરાત @૨૦૪૭ માટે માળખાકીય સુવિધાઓને વેગ” રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના ૨૫ વર્ષના અવિરત જાહેર સેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો.
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કીનોટ એડ્રેસ પણ આપ્યું હતું.
 મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની નોંધ લઈને વિભાગના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારના મહત્વના વિભાગ તરીકે માર્ગ અને મકાન વિભાગ રસ્તા, પુલ અને કનેક્ટિવિટી જેવી માળખાકીય સુવિધાઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેનો સીધો લાભ નાગરિકોને મળે છે.
ચિંતન શિબિરની પરંપરાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલી ચિંતન શિબિરની પહેલનો મુખ્ય ઉદ્દેશ અધિકારીઓને સાથે મળીને વિચારવા, ચર્ચા કરવા અને કાર્ય કરવાની તક આપવાનો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, “Coming together is the beginning, thinking together is progress, and working together is success.” મુખ્યમંત્રીશ્રીએ ‘સ્વયંથી વ્યયમ્’ના ધ્યેય સાથે ચિંતન શિબિરો દ્વારા સતત શીખવાની, વિચારવાની અને સાથે મળીને આગળ વધવાની ભાવનાને આગળ ધપાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગનાં ત્રણ મહત્વપૂર્ણ પુસ્તકોનું,  “Signage SOP as per GARC Committee Recommendation”, “Building Health Monitoring” અને “Bridge Asset Management”, નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે.દાસએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં “માર્ગ અને મકાન વિભાગ પૌરાણિક સમયથી સૌથી લોકપ્રિય ડિપાર્ટમેન્ટ રહેલો છે.”તેમ જણાવ્યું હતું.તથા રામ સેતુ અને ભીમ સેતુનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં,આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જવલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચિંતન શિબિરમાં  ખાસ સચિવ જે.એ. ગાંધી દ્વારા ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગ પરિવારને વિભાગના પ્રત્યેક કાર્યમાં “ગતિ,ગુણવત્તા,ગૌરવ”ની સંકલ્પનાને સાકાર કરવા શપથ લેવડાવ્યા હતા,આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવોએ પણ શપથ ગ્રહણ કરી આ સંકલ્પમાં સહભાગી બની પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ચિંતન શિબિર દરમિયાન અમદાવાદ સ્થિત હરે કૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય શ્રી શ્રી રાયા રામ દાસજી દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઇજનેરોના શારીરિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ડૉ. આલાપ શાહ દ્વારા “Ergonomics for Engineers” વિષય પર વિશેષ સત્ર યોજાયું હતું. મુખ્યમંત્રીની કચેરીના PRO  વિવેક ત્રિવેદી દ્વારા “Effective Social Media Handling for Government Departments” વિષય પર એક્સપર્ટ લેક્ચર આપવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શિશપાલ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ૯ ઑક્ટોબરના રોજ સવારે ૭ વાગે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે  યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિભાગમાં સારી કામગીરી કરનાર ટેક્નિકલ અને વહીવટી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા વિભાગીય સ્તરના Governance Performance Index (GPI) હેઠળ ટોચના ક્રમાંક પ્રાપ્ત કરનાર અધિકારીઓને GPI Awards એનાયત કરવામાં આવ્યા હતા.
આ બે દિવસીય ચિંતન શિબિરમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સાથે સંકળાયેલા પાંચ મુખ્ય વિષયો પર Focus Groups દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમાં માર્ગ સંબંધિત પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ, ગુણવત્તા, જાળવણી અને માર્ગ સલામતી; સરકારી ઇમારતોની ડિઝાઇન, બાંધકામની ગુણવત્તા અને ટકાઉપણું; પુલોની સલામતી, નિયમિત નિરીક્ષણ અને આધુનિક મોનિટરિંગ વ્યવસ્થા; માનવ સંસાધનનું ક્ષમતા નિર્માણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ; તેમજ ટેકનોલોજીનો ઉપયોગ, પ્રક્રિયામાં સુધારા અને પારદર્શક કાર્યપદ્ધતિ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ ચિંતન શિબિર માત્ર બે દિવસનો કાર્યક્રમ ન રહેતાં, તેની તૈયારી માટે વિભાગ દ્વારા આશરે ૩૦ દિવસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિભાગના “From the Ground” અભિગમ હેઠળ સૌપ્રથમ વર્તુળ (Circle) કક્ષાએ નાની ચિંતન શિબિરો યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ફિલ્ડ પર કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની કામગીરી દરમિયાન અનુભવાતી સમસ્યાઓ, સુધારાની તકો અને અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. વર્ક આસિસ્ટન્ટથી લઈને ચીફ એન્જિનિયર સુધીના વિવિધ સ્તરના અધિકારીઓએ પોતાના અનુભવો અને સૂચનો રજૂ કર્યા હતા. આ સૂચનોને એકત્રિત કરીને તેના પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ વિભાગીય સ્તરની ચિંતન શિબિરમાં વ્યાપક વિચારવિમર્શ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
ચિંતન શિબિર દરમિયાન મળેલા સૂચનો માત્ર ચર્ચા પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ તેનો વ્યવહારમાં અમલ થઈ શકે તે માટે વિભાગ દ્વારા સક્રિય અમલીકરણ Roadmap તૈયાર કરવામાં આવશે. આ Roadmap હેઠળ સૂચનોના અમલીકરણ માટે જરૂરી પગલાં, જવાબદારીઓ અને સમયમર્યાદા નક્કી કરીને તેના પર સતત દેખરેખ રાખવામાં આવશે.
આમ,માર્ગ અને મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલીયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી વિભાગની પ્રથમ ચિંતન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.માર્ગ અને મકાન વિભાગની આ પ્રથમ વિભાગીય ચિંતન શિબિર દ્વારા વિભાગના ત્રણેય પ્રભાગ સિવિલ,વિદ્યુત અને યાંત્રિકના  ફિલ્ડ કક્ષાના અનુભવોને નીતિ અને કાર્યપદ્ધતિના સુધારા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિભાગના વિવિધ સ્તરે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓના સહભાગિતાપૂર્ણ અભિગમ દ્વારા માળખાકીય સુવિધાઓના ઝડપી અમલીકરણ, ગુણવત્તામાં સુધારો, સુરક્ષા, જાળવણી અને ભવિષ્યલક્ષી વહીવટ માટે નવા વિચારો અને વ્યવહારુ ઉકેલોની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી

(10:51 PM IST)